બનાસકાંઠા: આગામી 13 નવેમ્બરના રોજ યોજાનારી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે વાવના ચૂંટણી મેદાનમાં હવે ખરાખરીનો રંગ જામ્યો છે. ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય ઉમેદવારો શાબ્દિક પ્રહારો કરી મતદારોને રીઝવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.
માવજી પટેલની શાબ્દિક ફટકાબાજી: આ તમામ વચ્ચે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ તેમને મળી રહેલા જનસમર્થનથી ભાજપ અને કોંગ્રેસ બંનેની ઊંઘ હરામ થઈ ગઈ છે.
આકોલી ગામે મળેલી એક જાહેર સભામાં ચૌધરી સમાજના આગેવાન અને ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજી પટેલ તેમજ સુઈગામ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી જામાભાઈ ચૌધરીએ માવજી પટેલને ખુલ્લુ સમર્થન આપ્યું છે. તેની સાથે જ માવજી ભાઈ પટેલ ખુલીને ચૂંટણીના મેદાનમાં બેટ લઈને ઉતરી પડ્યાં છે અને શાબ્દિક ફટકાબાજી કરી રહ્યાં છે.
કોંગ્રેસ પર માવજીભાઈના પ્રહાર: મતદારોને આકર્ષવા માટે વાવ વિધાનસભા વિસ્તારના આકોલીમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે જંગી સભાને સંબોધી હતી, સભામાં તેમને કોંગ્રેસ અને ભાજપ બંનેને આડે હાથે લીધી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ છેલ્લા સાત વર્ષથી વાવ વિધાનસભામાં સત્તા પર છે છતાં પણ વિકાસ થયો નથી અને હમણાં સાંસદ પણ ચૂંટાઈ આવ્યા છે, પરંતુ કોંગ્રેસના ઠેકાણા નથી. એક જ પરિવારમાં પાંચ વખત ટિકિટ આપી છે તેવા પણ તેમને શાબ્દિક પ્રહારો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સામે કર્યા હતા.
ભાજપને લીધી આડે હાથ: આકોલીની જાહેર સભામાં માવજી પટેલ ભાજપ પર પણ વરસ્યા હતા, તેમણે કહ્યું હતું કે, 'હું ભાજપનો સૈનિક હતો મેં ટિકિટ માગી હતી, પરંતુ અવગણના કરવામાં આવી, હવે ભાજપને ભારે પડશે. જોકે મારી ઉમેદવારીથી રાજ્યના મુખ્યમંત્રીને પણ અહીં સભા સંબોધવા આવું પડશે અને મે તેમને મજબૂર કરી દીધા છે. માવજીભાઈ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને કહ્યું કે, જે ગૃહરાજ્ય મંત્રીને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે એ ગૃહરાજ્યમંત્રી બે દિવસથી વાવના ગામડાઓમાં ફરે છે. જેમને લોકોને મળવાનો સમય નથી હોતો એ ગૃહરાજ્યમંત્રીને ઘરે ઘરે જઈને મત માગવા પડે છે.
અહીંથી ન અટકતા માવજીભાઈ પટેલે કહ્યું કે, આ ચૂંટણી નથી એક યુદ્ધ છે અને આ યુદ્ધમાં સામે સરકાર છે, રાજ છે, પૈસો છે અને પાવર છે. ત્યારે મતદારોને કહ્યું કે કોંગ્રેસ અથવા ભાજપવાળા જો પૈસા આપે તો લઈ લેજો અને ગાયોને ઘાસ નાખી દેજો. કારણ કે તે પૈસા એમના નથી આપણા પરસેવાના છે. માવજીભાઈ પટેલે છેલ્લે મતદારોને પાઘડીની લાજ રાખવાનુ કહીં તેમને જીતાડવા માટે પણ અપીલ કરી હતી'.
13 નવેમ્બરે છે વાવ વિધાનસભાની પેટાચૂંટણી: 13 નવેમ્બરના રોજ યોજાનારી વાવ વિઘાનસભાની પેટાચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છ, ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આ ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે, એવામાં અપક્ષમાંથી લડતા માવજીભાઈ પટેલે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનું ટેન્શન વધારવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે જોવું રહ્યું વાવની સમજદાર જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળે છે.