વાપી: વાપી તાલુકો એ ઔદ્યોગિક એકમો ધરાવતો તાલુકો છે. જેની માધ્યમથી દેશનો સૌથી વધુ વાહનોની અવરજવર ધરાવતો મુંબઈથી અમદાવાદનો નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે. એ ઉપરાંત પશ્ચિમ રેલવેનું A ગ્રેડનું રેલવે સ્ટેશન પણ વાપી છે. ઔદ્યોગિક વિકાસ સાથે હાલમાં અંદાજીત 1 હજાર કરોડથી વધુના વિકાસ કામો પણ ચાલી રહ્યા છે. જેને કારણે વાપીમાં ટ્રાફિક સમસ્યાએ માજા મૂકી છે. જેના નિરાકરણના પ્રયાસ હાથ ધરાયા છે.
ટ્રાફિકના સ્થળની કરી વિઝીટઃ ઔદ્યોગિક નગરી સાથે હવે મહાનગરપાલિકા તરફ આગળ વધી રહેલા વાપીની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વલસાડ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી રોડ સેફટી કમિટીની મીટીંગમાં અપાયેલ સૂચના બાદ વલસાડ પોલીસે હાઇવે, રેલવે, PWD, પાલિકા, નોટિફાઇડના અધિકારીઓ સાથે જે તે ટ્રાફિક પોઇન્ટની સ્થળ વિઝીટ કરી તેના નિરાકારણની પહેલ કરી છે.

સંલગ્ન વિભાગોને કરી રજૂઆતઃ જે અનુસંધાને વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ NHAI ના વલસાડ વિભાગના ટીમ લીડર કમલ જૈન તેમજ પાલિકા, નોટિફાઇડના એન્જીનીયર સાથે નેશનલ હાઇવેની, વાપી ટાઉનમાં આવેલ ઝંડાચોકની, ગીતાનગર તરફના રેલવે સ્ટેશનની સ્થળ મુલાકાત કરી હતી. અને ટ્રાફિક જામના નિરાકારણના ઉપાયો શોધી તેની જેતે વિભાગમાં રજૂઆત કરી હતી.

આ અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે નંબર 48 પર વૈશાલી બ્રિજના બંને છેડે બંધ કટને કેવી રીતે ખોલી શકાય અને આ વિસ્તારમાં થતા અકસ્માત, ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બ્રિજના બન્ને છેડે ખાસ ડિઝાઇન તૈયાર કરી કટને ખુલ્લો કરવામાં આવશે. આ ડિઝાઇન એક સપ્તાહમાં બનાવી NHAI ને સુપ્રત કરશે. જેમની મંજૂરી મળતા જ અહીંના બન્ને કટને ખુલ્લા કરવામાં આવશે. સાથે જ ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા અંગે જરૂરી અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.

લોકોએ ઠાલવ્ય પોતોનો બળાપોઃ હાઈવેની જેમ જ વાપી ટાઉનમાં આવેલા રેલવે સ્ટેશને પણ ભારે ટ્રાફિક જામ થાય છે. સ્ટેશનની હદમાં પૂર્વ છેડે રેલવે ઓથોરિટીએ પે એન્ડ પાર્ક ઊભું કર્યું છે. પરંતુ પેસેન્જરને છોડવા આવતા રિક્ષા, ટેક્સી, સિટીબસ માટે પીક અપ અને ડ્રોપ અપ પોઇન્ટની મંજૂરી આપતા નથી. જે અંગે વાપી ડિવિઝનના DySP એ રેલવે ઓથોરિટીને આ મામલે હકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરી છે. આ પ્રશ્ન એટલો વિકરાળ છે કે આ અંગે રિક્ષા, ટેક્સી, સિટિબસ ચાલકોએ પણ પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

હાઇવે, રેલવેની સાથે PWD દ્વારા હાથ ધરેલ ROB/RUB ના ઠપ્પ થયેલા પ્રોજેક્ટનો માલસામાન અને સ્થળ પરની ગંદકી, બેરીકેડ દુકાનદારો, રહેવાસીઓ માટે માથાનો દુખાવો બન્યો હોય એ સ્થળે પણ DySP બી. એન. દવેએ વાપી ટાઉન PI કે. જે. રાઠોડ અને નગરપાલિકાના ઇજનેર સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થાનિક દુકાનદારોની સમસ્યા સાંભળી હતી. જે બાદ ROB/RUB ના કોન્ટ્રાક્ટરને સ્થળ પર બોલાવી હાલમાં જ્યાં સુધી કામકાજ બંધ છે. તેટલા દિવસ તેમનો માલ સામાન અને બેરીકેટ ખસેડી લેવા સૂચના આપી હતી.

તહેવાર ટાણે આ સમસ્યાનું નિરાકરણ લાવતા દુકાનદારોએ પણ ખુશી વ્યક્ત કરી DySP બી. એન. દવેનો આભાર માન્યો હતો. સ્થાનિક દુકાનદાર અને હોટલ માલિક એવા ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, આ મુશ્કેલી અંગે ઘણી રજૂઆત કરી હતી. બે વર્ષથી કામ ચાલતું હોય અનેક સમસ્યા હતી. હાલમાં તેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ગંદકીની સફાઈ થઈ ગઈ છે અને બેરીકેટ સહિતનો માલ સામાન હટાવવામાં આવશે. જેનાથી દુકાનદારોને વેપાર ધંધામાં ફાયદો થશે. સાથે જ ટ્રાફિકની સમસ્યામાં અનેકગણી રાહત મળશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈનો મત વિસ્તાર ગણાતા વાપીમાં તેમના પ્રયાસથી 1 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યો હાથ ધરાયા છે. જોકે બીજી બાજુ રોડની હાલતો એટલી જ ખરાબ પણ છે. આ વિસ્તાર નજીકના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણના રહેવાસીઓ માટે, આ વિસ્તારમાં ધમધમતા 5 હજાર જેટલા એકમોના સંચાલકો, કામદારો માટે, નેશનલ હાઇવે નંબર 48 પર પસાર થતા વાહનચાલકો માટે જીવાદોરી સમાન છે. જેથી ટ્રાફિક સમસ્યા પણ એટલી જ વકરી છે. ત્યારે, તેના નિરાકારણની જવાબદારીમાંથી સ્થાનિક નેતાઓ, અન્ય વિભાગના અધિકારીઓ સતત છટકબારી શોધી રહ્યા હોય આખરે વલસાડ પોલીસે નિરાકારણની પહેલ કરી તેના ઉપાયો શોધવા સાથે જેતે વિભાગમાં તેની રજુઆત કરવાનું બીડું ઝડપ્યું છે. જો તેમાં સફળતા મળશે તો વાપીની જનતાને પણ ટ્રાફિકના ભારણમાંથી મુક્તિ મળશે.