વલસાડ : વાપી ટાઉન પોલીસમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હાલમાં ડિટેકટ કરેલા બે ગુન્હા અંગેની વિગતો આપી હતી. વલસાડ જિલ્લા પોલીસે 2 મહત્વના કેસ ઉકેલી મોટી સફળતા મેળવી છે.
માસ્ટરમાઈન્ડ "ચેક ચોર" : વાપી ટાઉન પોલીસ મથકમાં પત્રકાર પરિષદને સંબોધતા વલસાડ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના પાલઘરથી કાર ભાડે કરી વાપીમાં આવેલી બેંકમાં ચેકની ચોરી કરી, તે ચેક બેંકની અન્ય શાખામાં જઈને વટાવી લેનાર એક માસ્ટરમાઈન્ડની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 1.02 લાખ રોકડ તથા 2 સોનાના સિક્કા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આધેડની હત્યાનો આરોપી : તો, વાપી ટાંકી ફળિયામાં 31 ઓગસ્ટના એક નેપાળી આધેડની શંકાસ્પદ હાલતમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની 24 કલાકમાં ઝડપી પાડ્યો છે. સામાન્ય બોલાચાલીમાં હત્યા કરનાર સંજય ઝનૂની સ્વભાવનો છે. તેમના માતા-પિતાના નામની કે તેના ભૂતકાળની અન્ય કોઈ જ માહિતી નથી. વર્ષોથી આ વિસ્તારમાં એકલવાયું જીવન જીવે છે. અને ભીખ માંગીને કે, કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે.
વલસાડ પોલીસની ઉમદા કામગીરી : ઉલ્લેખનીય છે કે, બેંકમાંથી જ ચેકની ચોરી કરતા પકડાયેલ પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વ્યક્તિનો જે પણ ભોગ બન્યું હોય તે પોલીસ ફરિયાદ કરવા આવશે તો પોલીસ તેને ચોક્કસ ન્યાય આપશે. સામાન્ય રીતે બેંકમાં આ પ્રકારની ચેકની ચોરી બેંકના કર્મચારી કે અન્ય વ્યક્તિની સંડોવણી વિના શક્ય નથી. જેથી એ દિશામાં પણ વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો, સામાન્ય બોલાચાલીમાં એકની હત્યા કરનાર ઝનૂની સ્વભાવના યુવકનો વધુ કોઈ અન્ય ભોગ બને તે પહેલા પોલીસે તેને ઝડપી લઈ બન્ને ગુન્હામાં મહત્વની સફળતા મેળવી છે.
- વલસાડ RTO વિભાગે એક માસમાં રૂ. 58 લાખનો દંડ વસૂલ્યો
- ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીને પોલીસે દબોચ્યો