વલસાડ : હાલમાં જ્યાં સમગ્ર ગુજરાતમાં વિવિધ ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને જન સંપર્ક કરી રહ્યા છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર જન સંપર્ક તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા લોકોની વચ્ચે જઈ અંતરિયાળ ગામોમાં લોક બોલીમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે સાથે સાથે તમાશા પાર્ટીનું પણ આયોજન લોક બોલીમાં થઈ રહ્યું છે.
કયા મુદ્દાઓ લઇ કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં : ઉમેદવાર અનંત પટેલ સાથે ઈટીવી ભારતે સીધી વાતચીત કરી હતી ત્યારે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય લેવલના મુદ્દાઓ લઈને ચૂંટણી પ્રચારમાં ઉતરી છે. ત્યારે ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના લોકોને રાષ્ટ્રીય લેવલના મુદ્દા સાથે કોઈ ગતાગમ નથી. તેઓને પોતાના ઘરના આંગણે પાણી રોડ રસ્તા અને લાઈટ કેવી રીતે પહોંચે તેની સમસ્યા છે સ્થાનિક યુવકોને રોજગારી કેવી રીતે મળે તે અંગેની સમસ્યા છે. આરોગ્ય લક્ષી વિવિધ સેવાઓ તેમના ઘર આંગણે કેવી રીતે મળે તેની સમસ્યા છે. આ તમામ સમસ્યાને સાથે રાખીને લોકોની સમસ્યા સમજી તેને નિરાકરણ લાવવા પ્રયાસ થશેની ખાતરી સાથે તેઓ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે.
રેલવે લાઈનનો મુદ્દો : વિવિધ યોજનાઓમાં વિકાસના નામે સરકાર આદિવાસી સમાજની જમીનો લઈ રહી છે અને અનેક લોકો ઘરવિહોણા બની રહ્યા છે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. હજુ પણ સોનગઢથી દક્ષિણ ગુજરાતમાં એક રેલવે લાઈન પસાર થનાર છે અને જે માટે હાલમાં પણ સર્વે થઈ રહ્યું છે. ગુજરાત સરકારના બજેટમાં આ પ્રકારના કોઈપણ પ્રોજેક્ટની જોગવાઈ નથી રહેતી. પરંતુ આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો હોય એટલે ગુજરાત સરકારના બજેટમાં તેની જોગવાઈ રહેતી નથી. એટલે નાણાંપ્રધાનને પણ આ સમગ્ર બાબતની જાણ ન હોવાનું તેમણે આડકતરી રીતે જણાવ્યું હતું.
મત આપવા અપીલ : જ્યારે એવો સવાલ પૂછવામાં આવ્યો કે અનંત પટેલમાં એવું તો શું છે કે લોકો અનંત પટેલને વોટ કરે તેના જવાબમાં અનંત પટેલે જણાવ્યું કે અત્યાર સુધીમાં અનેક લડતો છેલ્લા દસ વર્ષથી તેઓ લડતા આવી રહ્યા છે. લોકોની સાથે રહી ન્યાય માટે અનેક જગ્યાઓ પર તેમણે લડત ચલાવી છે. જેમાં હીટ એન્ડ રનનો કાયદો હોય, કે પછી જૂની પેન્શન યોજના લાગુ કરવાનો શિક્ષકો માટેનો નિર્ણય હોય, પાર તાપી રિવર લિંક યોજના હોય, કે સામાન્ય પ્રજાને નડતા કોઈપણ પ્રશ્નો હોય સાથે રહીને તેમણે લડત ચલાવી છે. જેથી લોકો તેમની સાથે છે અને ચોક્કસ તેમને સહયોગ કરશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે.
છેલ્લા 10 થી 12 વર્ષથી સામાન્યમાં સામાન્ય જનતા સાથે રહી અનેક પ્રકારની લડત ચલાવી છે. એ પછી કોઈપણ સ્થાનિક મુદ્દા હોય પાણી વીજળી રોડ રસ્તા રોજગાર સહિતના મુદ્દામાં લોકોની વચ્ચે જઈ તેમની સાથે રહીને લડત ઉપાડી હતી.જેથી આશા છે કે લોકો ચોક્કસ મને સહયોગ કરશે...અનંત પટેલ (કોંગ્રેસ ઉમેદવાર, વલસાડ ડાંગ લોકસભા બેઠક )