પોરબંદર: તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર એક ફિલ્મ આવી રહી છે. જેનું નામ 'મહારાજ' છે. આ ફિલ્મના પાસઓ અમુક ધાર્મિક બાબતોને દર્શાવતા હોવાથી ધર્મ આગેવાનો વચ્ચે આ વિશે રોષ જાગ્યો છે. 'મહારાજ' ફિલ્મના વિવાદને લઈને પોરબંદરમાં પણ વૈષ્ણવો અને આગેવાનોએ વિરોધ કર્યો છે. આમ આ મુદ્દે પરિમલભાઈ ઠકરારના નેતૃત્વમાં વૈષ્ણવોએ એસપી અને કલેકટરને આવેદન પાઠવ્યું છે. ઉપરાંત પોરબંદરના વૈષ્ણવ સમાજના સંતો અને આગેવાનોએ આ ફિલ્મની રિલીઝ અટકાવવા તેમજ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો સામે પગલાં લેવાની માંગ કરી છે.
ફિલ્મ રિલીઝ પર રોકની માંગણી: પોરબંદરના પરમ પૂજ્ય 108 વસંત રાયજી મહારાજના જણાવ્યા અનુસાર, હિન્દુ વેદિક ધર્મના પાલન કરનારા અને ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત અને હિન્દુ સંપ્રદાયના અમે અનુયાયીઓ છીએ. તાજેતરમાં સૌરભ શાહ દ્વારા લખાયેલ નવલકથા મહારાજ જેના પ્રકાશક આર શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ, યશરાજ ફિલ્મ્સ અને netflix ઇન્ડિયા છે, ઉપરાંત આ નવલકથા પર આધારિત ફિલ્મ મહારાજ બનાવનાર દિગ્દર્શકો, અભિનેતાઓ, અભિનેત્રીઓ, અન્ય કલાકારો અને ટેકનિશિયન વિરુદ્ધ અમારી આ ફરિયાદ છે કે, હિન્દુ સંપ્રદાયના અનુયાયીઓ સહિત પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વૈષ્ણવ ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશો સાથે મહારાજ નામની ફિલ્મ બનાવવામાં આવી છે. આથી તાત્કાલિક આના પર કડક પગલાં લેવામાં આવે તેમજ ફિલ્મ રિલીઝ પર રોક લગાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
શું છે ફિલ્મની કહાની?: આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ 1862ના લિબલ મહારાજ કેસ પર આધારિત છે, જેને જોવા માટે આમિર ખાનના ચાહકોને લાંબી રાહ જોવી પડી શકે છે. જ્યારે ભગવાન કૃષ્ણ અને વલ્લભાચાર્યના અનુયાયીઓએ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે, જેમાં લખ્યું છે કે, આ ફિલ્મ 1862ના લિબલ મહારાજ કેસ પર આધારિત છે, જે જનમાનસ પર ખરાબ અસર છોડશે, અને આ ફિલ્મ હિંદુ ધર્મની પણ વિરુદ્ધ છે. ફિલ્મ મહારાજનું દિગ્દર્શન સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું છે અને યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની હતી.