વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ ખાતે આગામી 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાશે. હાલ 800 વીઘા જમીન પર 2500 જેટલા સ્વંયસેવકો દ્વારા તેની તડામાર તૈયારી ચાલી રહી છે. મહોત્સવમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભવો સહિત સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ દેશ વિદેશના લાખો હરિભક્તો ઉપસ્થિત રહેનાર છે. જેને લઈ વડતાલ સંસ્થા દ્વારા હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
7 નવેમ્બરે પોથીયાત્રા કળશયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ થશે: વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, 'તારીખ 7 નવેમ્બર ગુરૂવારના રોજ સવારે 8: 00 કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા (કળશયાત્રા) સવારે 10:30 કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે. જ્યાં 200 ભુદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. સવારે 11:00 કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. સવારે 11:45 કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્યશ્રી તથા કથાના બંન્ને વક્તાઓનું યજમાન પરિવાર ધ્વારા પૂજન કરવામાં આવશે.
- તારીખ 8 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે.
- તારીખ 9 નવેમ્બરના રોજ સવારે 5:30 કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે. બપોરે 12:00 થી 3:00 દરમિયાન મહિલા મંચ યોજાશે. સાંજે 5: 00 કલાકે જપાત્મક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.
- તારીખ 10 નવેમ્બરના રોજ સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક યજ્ઞનો પ્રારંભ સવારે 8:00 કલાકે મંદિર પરિસર ખાતે થશે.
- તારીખ 11 નવેમ્બરના રોજ સાંજે 4:00 કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે 5:30 કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખવામાં આવેલું છે.
- તારીખ 12 નવેમ્બરના રોજ સવારે 7:00 થી 10:00 વાગ્યા દરમિયાન અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા, જ્યારે સવારે 9:00 થી 12:00 દરમિયાન મંદિર પરિસરમાં સૂકામેવાનો અન્નકુટ ભરવામાં આવશે. તેમજ બપોરે 3:30 થી 7:30 કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે. સાંજે 4:00 કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડી.જે.ના તાલે ગોમતીજી સુધી ભવ્યાતિભવ્ય જળયાત્રા નીકળશે. જે ફક્ત યજમાનો માટે છે. સાથે સાથે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસર ખાતે યોજાશે.
- તારીખ 13 નવેમ્બરના રોજ સવારે 6:00 કલાકે લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે. સવારે 10:30 કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે. સવારે 10:00 કલાકે વડતાલ મંદિરમાં અન્નકુટ દર્શન, સાંજે 5:30 કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે.
- તારીખ 14 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.
- તારીખ 15 નવેમ્બરના રોજ બપોરે 12:00 કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. સાંજે 6:00 કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઉજવાશે.
દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તારીખ 7 થી 15 નવેમ્બર દરમિયાન જ્ઞાનજીવનદાસજી (કુંડળધામ) અને નિત્યસ્વરૂપદાસજી(સરધારધામ) તરફથી શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવના મુખ્ય આકર્ષણો
- આધુનિક ટેન્ટસીટી:- દેશ-વિદેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા માટે આવેલા દર્શનાર્થીઓને રહેવા માટે અતિ આધુનિક સુવિધા સાથેના 25 હજારથી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં AC સુવિધા પણ રાખવામાં આવેલી છે.
- પ્રદર્શન:- દ્વિશતાબ્દી મહોત્સવ સંપાદિત કરેલ 800 વીઘા જમીન પર ઉજવાનાર છે. જેમાં 25 વીઘા જમીન પર વિશાળ સાંસ્કૃતિક પ્રદર્શન તારીખ 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન યોજાનાર છે. જેનો સમય બપોરે 12:00 થી રાત્રીના 10:00 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. વિશાળ પ્રદર્શનનું પ્રવેશદ્વાર 100 ફૂટ લાંબુ અને 35 ફૂટ ઉંયુ છે. ઉપરાંત જીવંત કલાકરો ધ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરીમાં 190 ફૂટ લાંબુ શ્રી ઘનશ્યામ ચરિત્ર અને 114 ફૂટ લાંબુ રામાયણ ચરિત્ર તળપદી ચિત્રશૈલીમાં કંડારાયેલું છે. ઉપરાંત રંગ બેરંગી ફુવારાઓ ભક્તોના મનમોહી લેશે. પ્રદર્શન સ્થળે 685 સ્વયં સેવકો વ્યવસ્થા જાળવશે. સમગ્ર પ્રદર્શન રાજકોટ ગુરૂકુળના દેવકૃષ્ણદાસજી સ્વામીના શિષ્યો વિશ્વસ્વરૂપદાસ સ્વામી, વિવેકસ્વરૂપદાસ સ્વામી તથા બંગાળના 75 કારીગરો અને સ્વયં સેવકો છેલ્લા 3 માસથી પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે.
- યજ્ઞશાળા:- 15 વીઘાથી વધુ વિશાળ જગ્યામાં યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં 108 કુંડી વિષ્ણુયાગ યોજાનાર છે. આ વિષ્ણુયાગમાં 3500 થી વધુ દંપતિઓ બેસી શકશે.
- ભવ્ય ભોજનશાળા:- 62,500 ચો.ફૂટ જમીન પર ભવ્ય ભોજનશાળા બાંધવામાં આવ્યો છે. જેમાં વી.આઈ.પી., વી.વી.આઈ.પી. તથા અન્ય ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
- શુધ્ધ પાણી માટે બે RO પ્લાન્ટ કાર્યરત:- મહોત્સવમાં પધારનાર દરેક હરિભક્તોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે બે આર.ઓ.પ્લાન્ટ કાર્યરત કરાયા છે. જેથી દરેકને ઠંડુ અને શુધ્ધ પાણી પુરૂ પાડી શકાય.
- વિશાળ સભા મંડપ: હરિભક્તો શાંતિથી કથા શ્રવણ કરી શકે તે માટે 2.10 લાખ ચો.ફૂટનો વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવ્યો છે. જેની પીઠીકા 30 હજાર ચો.ફૂટની રાખવામાં આવેલી છે. આ સભામંડપમાં 25 હજારથી વધુ હરિભક્તો બેસી કથા શ્રવણ કરશે.
આ પણ વાંચો: