વડોદરા : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે SSG હોસ્પિટલ વારંવાર વિવાદોના વમળમાં રહે છે. આ હોસ્પિટલમાં માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો સારવાર અર્થે આવતા હોય છે. પરંતુ સયાજી હોસ્પિટલમાં અસુવિધાના કારણે દર્દીઓને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં પરંતુ મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની પણ બેદરકારીના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
સ્ટ્રેચરના અભાવે દર્દીની ટીંગાટોળી : વડોદરાની સયાજી હોસ્પિટલમાં અસુવિધાઓને કારણે અવાર- નવાર ચર્ચામાં રહે છે. આજરોજ SSG હોસ્પિટલના ન્યુ સર્જીકલ વોર્ડમાંથી દર્દીને ટીંગાટોળી કરીને બહાર લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. દર્દીના પરિજનોએ ત્રણ તરફથી દર્દીને પકડી રાખી તેની ટીંગાટોળી કરીને તેને હોસ્પિટલમાંથી ગાડી બેસાડ્યો હતો. દર્દીની તબિયત વધારે નાદુરસ્ત હોવાથી તે ચાલી શકવાની સ્થિતિમાં પણ નહતો. જેના કારણે તેને સ્ટેચરની જરૂરિયાત હતી, પરંતુ હોસ્પિટલમાં સ્ટ્રેચર ન મળતા માનવ સ્ટ્રેચરનો ઉપયોગ કરવો પડ્યો હતો.
પાયાની સુવિધાનો અભાવ : હોસ્પિટલમાં કોઈ દર્દી ચાલી શકવાની સ્થિતિમાં ન હોય ત્યારે તેને હોસ્પિટલમાં સ્ટ્રેચર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. પરંતુ SSG હોસ્પિટલમાં આવી સામાન્ય સુવિધાઓનો પણ અભાવ હોય તેવું ચિત્ર આજે સ્પષ્ટ થયું છે. એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ માટે નવી નવી સુવિધાઓ સમયાંતરે ઉમેરવામાં આવતી હોય છે. ત્યારે પાયાની જરૂરિયાતોનો અભાવ કેમ ? જેવા અનેક સવાલો ઉભા થયા હતા.
ખોટકાયેલી લિફ્ટ : જાણવા મળતી માહિતી મુજબ એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમના મોટાભાગના બેરેક બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. તેમજ હોસ્પિટલની લિફ્ટ બંધ હોવાના કારણે સ્ટ્રેચરની લાઇનો લિફ્ટ બહાર પડી હતી. આ લાઈનમાં કેટલાક દર્દીઓના મોંઢે તો ઓક્સિજન માસ્ક પણ લગાડવામાં આવ્યા ન હતા. આ તમામ પરિસ્થિતિ જોતા એસએસજી હોસ્પિટલમાં દર્દીને સમયસર તમામ સુવિધા મળી રહે તે માટે મેનેજમેન્ટે ધ્યાન રાખવું જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.