વડોદરાઃ અત્યંત ચકચારી હરણી તળાવ દુર્ઘટનામાં 3 આરોપીઓના જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ જામીન અરજી કરનારા આરોપીઓ નેહા, તેજ અને જતીન દોશી હતા. આ કેસમાં કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી 16 આરોપીઓને પોલીસ પકડી ચૂકી છે. જ્યારે હજૂ 4 આરોપી પોલીસની પહોંચથી દૂર છે.
3 આરોપીઓની જામીન અરજી ફગાવાઈઃ પોલીસે આ કેસ 20થી વધુ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાંથી 16 આરોપીને પોલીસ પકડી ચૂકી છે. આ કેસમાં દિપેન શાહ અને ધર્મિલ શાહની 2 દિવસ પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે. આ કેસના આરોપીઓ નેહા, તેજ અને જતીન દોશીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.કોર્ટે આ ત્રણેય આરોપીઓએ કરેલ જામીન અરજીને ફગાવી દીધી છે. ત્રણેય આરોપીઓના જેલવાસને કોર્ટે યથાવત રાખ્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ તા.18 જાન્યુઆરીના રોજ વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને પ્રવાસ માટે હરણી લેક ઝોન ખાતે લઈ જવાયા હતા. જ્યાં બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો એમ કુલ 14 જણાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. આ ઘટનાની તપાસમાં પોલીસની સાથે FSL દ્વારા પણ કરવામાં આવી હતી. FSL રિપોર્ટમાં બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડયા હોવાનું બહાર આવ્યું હતું. જેને બોટ પલટી જવાનું મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે.