વડોદરા : દારૂબંધી હોવા છતાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ભારતીય બનાવટનાં વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. પરંતુ સ્થાનિક પોલીસ જાણે આંખ આડા કાન કરતી હોય તેમ બુટલેગરો પણ બેફામ રહે છે. આવી પરિસ્થિતિમાં ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલ કાર્યવાહી કરી સ્થાનિક પોલીસની ઉંઘ ઉડાડે છે.
ડભોઈમાં SMC દરોડા : અગાઉ ઘણીવાર વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) અનેક દરોડા પાડ્યા છે. દરેક વખતે SMC નો ફેરો ખાલી જતો નથી. મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાય છે અને સ્થાનિક પોલીસ જોતી જ રહી જાય છે. ગતરોજ ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પલાસવાડા રેલવે સ્ટેશન નજીક SMC ટીમે વોચ ગોઠવી હતી. જેમાં વાહનને રોકી રૂ. 4 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી, બે શખ્સની અટકાયત કરવામાં આવી છે. જ્યારે 5 શખસને વોન્ટેડ જાહેર કર્યા છે.
બે આરોપી ઝડપાયા : ડભોઇ પોલીસ સ્ટેશન હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ડભોઇથી વડોદરા હાઇવે ઉપર પલાસવાળા રેલવે ફાટક પાસે રનિંગ રેડ કરી હતી. જેમાં 4 લાખથી વધુના ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને રૂ. 31 હજાર રોકડ રકમ અને વાહન ઝબ્બે કર્યા છે. સાથે જ વાઘોડિયાના રઝાક અબ્દુલ મન્સૂરી અને દિલીપ મહેન્દ્રભાઈ પરમારને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓને ડભોઇ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
24 લાખનો મુદ્દામાલ જપ્ત : પોલીસ સ્ટાફે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત રુ. 4.10 લાખની 4108 બોટલ, રુ. 20 લાખની કિંમતના બે વાહનો, 31 હજાર રોકડ રકમ અને 4 મોબાઇલ સહિત કુલ રૂ. 24,52,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ અન્ય પાંચ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ : છેલ્લા કેટલાક સમયથી ડભોઇ નગર અને તાલુકાના કેટલાક વિસ્તારમાં નંબર પ્લેટ વગરના સ્કૂટરની ડેકીમાં ભારતીય બનાવટનો જથ્થો મૂકી હોમ ડીલીવરી આપતા બુટલેગરો સક્રિય રહી દારૂનો વેપલો કરી રહ્યા છે. પણ સ્થાનિક પોલીસની નજરે આ બધું નજરે ચઢતું નથી અને ઢીલાં વલણને કારણે આ બુટલેગરો બેફામ બન્યા છે. જ્યારે SMC ટીમ દરોડા પાડે ત્યારે જ સ્થાનિક પોલીસ પોતાની કમર મરડી જાગૃત થતી હોય છે. પરંતુ સમય જતા "સબ સહી સલામત હે" જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે.