રાજકોટ: ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ પર આવેલ કારખાનાઓમાં કામ કરતા મજૂરોના ચાર જેટલા બાળકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં આ ઘટનામાં સ્થાનિક તંત્રની બેદરકારી વર્તાય રહી છે. આ ઘટનામાં રાજકોટ જિલ્લાનું તંત્ર ઉપલેટા ખાતે મોતના તપાસ અંગે આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક તંત્રને જાણ થઈ હતી. જેમાં ઘટના બન્યા બાદ રાજકોટ જિલ્લાનું તંત્ર પહોંચ્યું ત્યાં સુધી સ્થાનિક તંત્ર ઊંઘમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. આ ઘટના બાદ આ મામલે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. અને આ જાહેરનામા અને હુકમ બાદ ઉપલેટા મામલતદાર દ્વારા બનાવના સ્થળના છ જેટલા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે.
છ એકમોને સીલ કર્યા: ઉપલેટામાં બનેલ ઘટનામાં કલેકટર દ્વારા હુકમ કરવામાં આવતા ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણી દ્વારા સંસ્કાર પોલીમર્સ, અર્ચન, હીરામોતી, આશ્રય, ઘનશ્યામ અને ખોડીયાર સહિતના છ એકમોને સીલ કરી અને તેમની ઉત્પાદન પ્રક્રિયાને સ્થગિત કરવા માટેનો હુકમ કર્યો હતો. જેમાં તેનું પાલન કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને આ સાથે જ રાજકોટ જિલ્લા કલેકટરના હુકમ બાદ જાહેર કરવામાં આવેલ જાહેરનામાનું અને હુકમનું ચુસ્તપણે પાલન થાય તે માટે વિવિધ તંત્રની વિવિધ ટીમોને કડક સુચના પણ ઉપલેટા મામલતદારે આપી છે અને આ અંગે નિયમ અનુસાર અને સૂચન મુજબ કડક અમલાવરી કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
કૃષ્ણકાંત ચોટાઈએ તંત્ર પર આક્ષેપ કર્યા: ઉપલેટાના ગણોદ તણસવા રોડ પર ગત દિવસોમાં બાળકોની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં આ બીમાર બાળકોને વિવિધ જગ્યા ઉપર ખસેડી અને સારવાર લેવા માટે રવાના કરાયા હતા. પરંતુ આ ઘટનામાં ચાર જેટલા બાળકોના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. પરંતુ આ ઘટના તંત્રની સંપૂર્ણ બેદરકારીના કારણે જ બનવા પામી હોય તેવી ભારે ચર્ચાઓ થઈ રહી છે. જોકે હાલ આ બનાવના વિસ્તારને રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. પરંતુ આ હુકમ નામાનું તંત્ર યોગ્ય પાલન ન કરતી હોય તેવું ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ તંત્ર પર આક્ષેપ પણ કર્યા છે.
આ મામલાની જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો નિયમ તોડીને કરવામાં આવતી કારખાનેદારોની કામગીરીઓ અને જવાબદાર સ્થાનિક તંત્રની પણ મોટી બેદરકારીને કારણે મોતનો આ સિલસલો બન્યો હોવાની ભારે ચર્ચાઓ થઈ છે. ત્યારે તંત્રને પોતાની ભૂલ જણાઈ આવતી હોય પરંતુ હજુ પણ મોતના આંકડાઓ છુપાવી રહી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. જોકે આ મામલે ઊંડાણપૂર્વક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોની અંદર મોટો ઘટસ્પોટ થાય અને મોટી બેદરકારી સામે આવવાની પૂરેપૂરી શક્યતાઓ અને સંભાવનાઓ છે.
અહીંયાના સ્થાનિક સૂત્ર પાસેથી એવી પણ માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે કે મોતની આ ઘટનાને દબાવવા તેમજ ભીનું સંકેલવા માટે વગદાર રાજનેતાઓ અધિકારીઓ ઉપર દબાણ કરી રહ્યા છે અને આ ઘટનામાં ભીનું સંકેલવા માટેના ઉપરથી નીચે સુધીના તમામ ધમ પછડાઓ કરી મામલો રફેદફે કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ મીડિયાના પ્રતિનિધિઓ આ બાબતમાં સંપૂર્ણ પાયાથી લઈને આ ઘટનાનો તમામ અહેવાલ તૈયાર કરી રહી છે અને આગામી દિવસોની અંદર ભીનું સંકેલવા માટેના થતા પ્રયત્નો, જવાબદાર તંત્ર અને બેદરકારી દાખવનાર અંગેનો મોટો ઘટસ્પોટ થઈ શકે છે.