રાજકોટ : આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે નગરપાલિકા ચૂંટણીને ધ્યાને લઈ ઉપલેટા શહેરમાં કોંગ્રેસમાં સક્રિયતા જોવા મળી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ ઉપલેટા નગરપાલિકા પ્રભારી ગાયત્રીબા વાઘેલા અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા સહિતના આગેવાનોએ ઉપલેટા શહેરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ચૂંટણી લક્ષી ચર્ચા અને માર્ગદર્શન તેમજ સૂચનો આપવામાં આવ્યા હતા.
ઉપલેટામાં કોંગ્રેસ બેઠક : આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ઉપલેટા શહેરમાં હાલ નવ વોર્ડ છે. જેમાં એક વોર્ડની અંદર ચાર સભ્યોની નિમણૂક થતી હોય છે. છેલ્લી ટર્મમાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા જોતા આવતા દિવસોની અંદર કોંગ્રેસના સભ્યોની સંખ્યા વધારવા માટેનું માર્ગદર્શન અને સૂચનો આ બેઠકમાં આપવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના મહિલા અગ્રણી અને ઉપલેટા નગરપાલિકા પ્રભારી ગાયત્રીબા વાઘેલાએ બૂથથી લઈને પ્રચાર પ્રસારની કામગીરીમાં ચૂંટણી લક્ષી કામ કરવા માટે સૂચનો આપ્યા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ચૂંટણીલક્ષી બેઠકમાં અંદર રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધોરાજી વિધાનસભાના માજી ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં યોજાઈ રહેલી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવશે. જરૂર પડે જેને પણ અને જ્યાં પણ મળવાનું થશે તે તમામ બાબતોની કામગીરી કરવા માટેની તૈયારી ચાલી રહી છે. ચૂંટણી માટે હવે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, આ જાહેરાત થાય તે પહેલા દરેક આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.
ગઠબંધન વગર ચૂંટણી લડશે કોંગ્રેસ ? છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણ થઈ રહ્યા છે. ગત યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ગઠબંધન કરી ચૂંટણી લડવા માટેની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ ચૂંટણી તેમના માટે ફાયદાકારક ન થઈ હોય તેવી પણ બાબતો સામે આવી છે. આ વખતે કોંગ્રેસ પાર્ટી કોઈપણ ગઠબંધન વગર ચૂંટણી લડશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા કોંગ્રેસની બનાવશે તેવી પણ ઉપસ્થિત આગેવાનો અને અગ્રણીઓ દ્વારા વાત કરવામાં આવી હતી.
પીઢ આગેવાનોના મંતવ્ય : ઉપલેટામાં યોજાયેલ આ બેઠક બાદ કોંગ્રેસના પીઢ આગેવાનોએ ઉપલેટા નગરપાલિકા પ્રભારી ગાયત્રીબા વાઘેલા સાથે અંગત રીતે વાત કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસના પીઢ આગેવાનો વર્તમાન સંગઠન અને હોદ્દેદારોની કામગીરીથી નારાજ છે. કોંગ્રેસમાં પીઢ આગેવાનો અને કાર્યકર્તાઓની અવગણના થઈ રહી હોવાની માહિતી છે.