અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બાંધકામોમાં અવનવા પ્રકારના ભ્રષ્ટાચારના આરોપો જોવા મળતા હોય છે, પહેલા 42 કરોડમાં હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો અને તેને હવે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે 15 વર્ષમાં જ કોઈને ફાળવ્યા વગર વટવા ખાતે આવેલા આવાસોને પણ જમીન દોસ્ત કરવામાં આવશે.
પ્રજાના પૈસાનું કરોડોનું આંધણ: કરોડોના ખર્ચે 15 વર્ષ પહેલા તૈયાર થયેલા આવાસો હજુ સુધી કોઈને ફાળવવામાં નથી આવ્યા, અને આ આવાસોના 15 વર્ષ બાદ સ્ટ્રક્ચર, સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેમ તોડી પડાશે આવાસો ?: આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વટવાની અંદર EWS આવાસ બનેલા હતા તેનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
15 થી 17 વર્ષ પહેલા બનાવાયા હતા આવાસો: લગભગ 15 થી 17 વર્ષ પહેલા આવાસો બનાવવામાં આવ્યા હતા. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટીવ આવવાથી ત્યાં અત્યારે ડિમોલેશનની કામગીરી શરૂ છે અને ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ ત્યાં કઈ પ્રકારે શું બનાવવું તે વિશે વિચારણા કરવામાં આવશે.