જૂનાગઢ: શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે. શ્રાદ્ધના આ દિવસો દરમિયાન પ્રત્યેક વ્યક્તિ પોતાના પરિવારના દિવંગત આત્માઓની શાંતિ અને તેને મુક્તિ મળે તે માટે શ્રાદ્ધ પર્વ અને પિંડદાન વિધિ કરતા હોય છે. સનાતન ધર્મમાં શ્રાદ્ધ અને પિડદાન વિધિને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. અને શ્રાદ્ધ તેમજ પિંડદાન વિધિ માટે ધાર્મિક સ્થાનો પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.
તે મુજબ પ્રાચીન તીર્થ ક્ષેત્ર સોમનાથ નજીક ત્રિવેણી સંગમ જુનાગઢમાં આવેલા પવિત્ર દામોદર કુંડ અને ગંગા નદીના ઘાટો પર શ્રાદ્ધ અને પિંડદાન વિધિને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. તેને લઈને આ ધાર્મિક સ્થાનો પર શ્રાદ્ધ પર્વ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતાના દિવંગત આત્માઓની મુક્તિ અને શાંતિ માટે શ્રાદ્ધ વિધિમાં જોડાતા હોય છે. શ્રાદ્ધ પર્વ દરમિયાન 11 પ્રકારના શ્રાધને પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
શ્રાદ્ધ પર્વમાં 11 શ્રાદ્ધનું વિશેષ મહત્વ: સનાતન ધર્મમાં 11 પ્રકારના શ્રાદ્ધને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. તે મુજબ દરરોજ કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.
- નિત્ય શ્રાદ્ધ: આ શ્રાદ્ધ વિધિમાં પિતૃઓ માટે જલાજલિ અર્પણ કરવાની એક પરંપરા છે. શ્રાદ્ધ પર્વના તમામ દિવસો દરમિયાન આ પ્રકારનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જેથી તેને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.
- નૈમિત્તક શ્રાદ્ધ: વર્ષમાં એકવાર કોઈપણ વ્યક્તિની મૃત્યુતિથિએ કરવામાં આવતા શ્રાદ્ધને નૈમિત્તક શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે જેને સામાન્ય શબ્દોમાં જે તે વ્યક્તિની વરસી પર્વત તરીકે પણ મનાવવામાં આવે છે.
- કામ્ય શ્રાદ્ધ: માંગલિક કાર્યોમાં કરવામાં આવતા શ્રાદ્ધને કામ્ય શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે કેટલાક પ્રાંતોમાં કામ્ય શ્રાદ્ધને નાંદી શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- પાર્વણ શ્રાદ્ધ: શ્રાદ્ધ પર્વ દરમિયાન પાર્વણ શ્રાદ્ધ પણ મહત્વ ધરાવે છે. આ શ્રાદ્ધમાં પિતૃ પક્ષ અમાસ અને મૃત્યુ તિથિએ કરવામાં આવે છે જેથી તેને પાર્વણ શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે.
- સપિણ્ડન શ્રાદ્ધ: સપિણ્ડન શ્રાદ્ધ શ્રાદ્ધ પર્વમાં ત્રણ વર્ષે એક વખત કરવામાં આવતું હોય છે. આ શ્રાદ્ધ વિધિમાં અકાળે મૃત્યુ પામેલા પૂર્વજોને પ્રેતપિંડમાંથી પિતૃપિંડમાં મોકલવા માટે કરવામાં આવતું હોય છે. જે લોકો અકાળે મૃત્યુ પામે છે તેના માટે આ શ્રાદ્ધ કરાતું હોય છે.
- ગોષ્ઠિ શ્રાદ્ધ: ગોષ્ઠી શ્રાદ્ધ તેના નામ અનુસાર પરિવારના તમામ લોકો એક સાથે અથવા તો કોઈ એક જાતિના લોકો સાથે મળીને તેમના પૂર્વજોની મુક્તિ માટે શ્રાદ્ધ વિધિ કરે તો આવા શ્રાદ્ધને ગોષ્ઠિ શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે.
- શુદ્રયર્થ શ્રાદ્ધ: આ શ્રાદ્ધ પોતાની શુદ્ધિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ છે. આ શ્રાદ્ધ વિધિમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું આવશ્યક માનવામાં આવે છે.
- કર્માગ શ્રાદ્ધ: આ શ્રાદ્ધને સોળ સંસ્કાર કે કોઈ પ્રસંગમાં કરવામાં આવતા શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. દેવતાઓના પણ શ્રાદ્ધ થતા હોય છે ત્યારે દૈવિક શ્રાદ્ધ સનાતન ધર્મમાં દેવતાઓ માટે કરવામાં આવતું વિશેષ શ્રાદ્ધ છે.
- યાત્રાર્થ શ્રાદ્ધ: તીર્થ સ્થાનોમાં કરવામાં આવતા શ્રાદ્ધને યાત્રાર્થ શ્રાદ્ધ કહેવામાં આવે છે આવા તીર્થસ્થાનોમાં પ્રાચીન તીર્થ ક્ષેત્ર સોમનાથ ત્રિવેણી સંગમ જુનાગઢ દામોદર કુંડ ગંગા નદીના ઘાટની સાથે દેશમાં આવેલા પવિત્ર સ્થાન ઉપર શ્રાદ્ધ કરવામાં આવે છે.
- પુષ્ટયર્થ શ્રાદ્ધ: પુષ્ટયર્થ શ્રાદ્ધ પોતાની સંપત્તિ અને સુખ સમૃદ્ધિની કામના સાથે કરવામાં આવતું હોય છે. આ શ્રાદ્ધ કરવાથી સંપન્નતા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે જેથી તેને પુષ્ટયર્થ શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: