રાજકોટ: કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા મંત્રી બન્યા બાદ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. સવારે તેઓએ રાજ્યની પ્રથમ તિરંગા યાત્રાનું પ્રસ્થાન રાજકોટથી કરાવ્યું હતું. ત્યારબાદ તેઓ ગુજરાતની પ્રથમ રાજકોટ એઇમ્સ ખાતે મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લેબ BSL 2 પલ્સનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ એઇમ્સ ખાતે તેઓએ OPD, IPD અને ટ્રોમા વિભાગની પણ મુલાકાત કરી હતી.
આગળ વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે: આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, આજે એઇમ્સ રાજકોટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મેં પ્રેઝન્ટેશન જોયું અને પ્રેઝન્ટેશન માધ્યમથી ધ્યાનમાં આવ્યું કે, રાજકોટ એઇમ્સ ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે. કોરોના જેવો કપરો સમય આવ્યો છતાં ખૂબ જ ઝડપથી આગળ કામ ચાલી રહ્યું છે. એઇમ્સની OPD, IPD અને ટ્રોમા સેન્ટરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. સારામાં સારા ડોક્ટર્સ અને ફેકલ્ટી રાજકોટ આવે અને માનવતા સેવા માટે ગુજરાતનું સારું ઉપકરણ રાજકોટ એઇમ્સ બનશે.
જે. પી. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે મારા દ્વારા VRDLનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ગુજરાતને પુના ઉપર નિર્ભર રહેવું પડતું હતું. ફેબ્રુઆરીમાં IPD સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે અને હવે OPD તેમજ IPDમાં દર્દીની સંખ્યા વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી આગળ વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. સ્વાસ્થ્ય માટે ગરીબ દર્દીને અને સામાન્ય નાગરિકને સારામાં સારી સારવાર મળે તે માટે પ્રધાનમંત્રી દ્વારા ચિંતા કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ પર પ્રહાર: કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કોગેસના સમયમાં 1960થી 1998 સુધી માત્ર એક એઇમ્સ હતી. અટલજી સરકારમાં વધુ 6 એઇમ્સ બની. જયારે પ્રધાનમંત્રી મોદીએ 22 એઇમ્સની જાહેરાત કરી જે પૈકી 18 કાર્યરત છે અને 4 એઇમ્સનું કામ ચાલુમાં છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને પ્રધાનમંત્રીની આ મોટી ભેટ છે. હું હેલ્થ મિનિસ્ટર હોવાથી અહીં વન ઓફ ધ બેસ્ટ એઇમ્સ રાજકોટમાં બનાવવાના પ્રયત્ન કરીશ. પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર ન લઇ શકે તેઓ અહીં સારામાં સારી સારવાર લઇ શકશે.