સુરત : રાજપીપળાના કેવડિયા પાસે આકાર લઇ રહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં કામગીરી કરી રહેલા કોન્ટ્રાકટરના માણસોએ બે સ્થાનિક આદિવાસી યુવાનોને ચોરીની આશંકાએ ઢોર માર માર્યો હતો. જેમાં બંને યુવકોના મોત થયા હતા. આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ આજે એટલે કે મંગળવારના રોજ કેવડિયા બંધનું એલાન તથા મૃતકોને જાહેરમાં શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.
AAP આયોજીત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ : આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત આ કાર્યક્રમને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન આપવામાં આવતા પોલીસ દ્વારા કાર્યક્રમમાં જતા લોકોને અટકાવવામાં આવી રહ્યા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જવા માટે ઉમરપાડાથી ઉમરપાડા તાલુકા AAP પ્રમુખ રણજીત વસાવા સહિતના કાર્યકરો જઈ રહ્યા હતા. તે દરમિયાન ઉમરપાડા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી અને તેઓને ઉમરપાડા પોલીસ મથક ખાતે લાવી બેસાડી દેવામાં આવ્યા હતા.
AAP કાર્યકરોની અટકાયત : શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જઈ રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયતને લઇને AAP કાર્યકરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. તમામ કાર્યકરોએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમને કાર્યક્રમમાં જતા રોકવામાં આવ્યા અને પોલીસ સ્ટેશનમાં લાવી બેસાડી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કેવડીયા ખાતે બનેલી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં પડે તો નવાઈ નહીં.
આદિવાસી યુવકોના મોતનો મામલો : નોંધનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝીયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને ચોરીની શંકાએ પકડ્યા હતા. બાદમાં રાત્રી દરમિયાન દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું છે. એક યુવાન જયેશ તડવીનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે બીજા દિવસે સંજય તડવી નામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.