માંડવી: માંડવી તાલુકાના અંધાત્રી ગામ નજીકથી પસાર થતી જમણા કાંઠા નહેર પાસે મામા સાથે મોટરસાઇકલ ધોવા આવેલા બે કિશોર નહેરમાં નહાવા પડ્યા હતા. જે પૈકી એક કિશોર ડૂબવા લાગ્યો હતો. જેને બચાવવા જતાં બીજો કિશોર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો. જ્યારે પહેલાં કિશોરને સ્થાનિક મજૂરોએ બચાવી લીધો હતો. જ્યારે ડૂબી ગયેલા અન્ય કિશોરને શોધવા માટે ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના: આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના કનોજ જિલ્લાના હરિપુરવા ગામના અને હાલ માંડવીના બરોડિયાવાડ ખાતે રહેતા સંદીપભાઈ જાનકીભાઈ રાજપૂત રવિવારના રોજ તેમના બે ભાણેજ પ્રાણસુ દિનેશ રાજપૂત (16) અને અભિષેક રાજેશ રાજપૂત (14) સાથે મોટરસાઇકલ ધોવા માટે અંધાત્રી ગામની નજીકથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં કાજરીયાપુલ પાસે ગયા હતા. મોટરસાઇકલ ધોતી વખતે પ્રાણસુ અને અભિષેક નહેરમાં ન્હાવા પડ્યા હતા.

એક કિશોરનો બચાવ: જોકે, નહેરમાં પાણીના તેજ પ્રવાહ હોવાના કારણે અભિષેક નામનો કિશોર તણાવા લાગ્યો હતો. જેને બચાવવા માટે પ્રાણસુએ પ્રયાસો કરતા પ્રાણસુએ પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને પાણીમાં તણાઈ ગયો હતો. બંને કિશોરને તણાતાં જોઈ મામાએ બુમાબુમ કરી મુકી હતી અને આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. આ દરમ્યાન ત્યાંથી પસાર થતા મજુરોએ વાંસ નાખતા તે વાંસ અભિષેકે પકડીને બહાર આવી ગયો હતો. જ્યારે પ્રાણસુ પાણીમાં તણાઈ ગયો હતો.

ગુમ કિશોરની શોધખોળ: ઘટનાની જાણ થતાં જ માંડવી અને બારડોલી ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ડૂબી ગયેલા કિશોરની શોધખોળ શરૂ કરી હતી. માંડવી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મુકેશ ભાઈએ જણાવ્યું હતું કે, ઊંડા પાણીમાં ન્હાતી વખતે આ ઘટના બની હતી.હાલ માંડવી પોલીસ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, પ્રાણસુ આજથી બોર્ડની પરીક્ષા આપવાનો હતો. પ્રાણસુ ધો.10માં અભ્યાસ કરતો હતો અને આજે શરૂ થઈ રહેલી એસએસસી બોર્ડની પરીક્ષા આપવાનો હતો. પરંતુ પરીક્ષા આપે તે પહેલા જ તે આકસ્મિક ઘટનાનો ભોગ બની જતાં પરિવાર પર આભ ફાટી નીકળ્યું છે. બીજી તરફ અભિષેક ધો.8માં અભ્યાસ કરે છે તેનો ચમત્કારિક બચાવ થયો છે.