અમદાવાદ: શહેર પોલીસની સતર્કતાના પરિણામે ફરી એક વાર પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો પોલીસના હાથ લાગ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદના ગાંધી રોડ, જુમ્મા મસ્જિદ સામે વલંદાની હવેલી ગલીના નાકેથી 25 વર્ષિય આરોપી અઝીમ અલ્તાફ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી ગેરકાયદે પ્રતિબંધિત ઈ-સિગારેટ નંગ 50 જેની અંદાજીત રકમ 75 હજારની જેટલી થાય છે તે કબજે કરીને આગળની કાર્યાવાહી હાથ ધરી છે.
કોણ છે આરોપી: ગેરકાયદે અને પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે ઝડપાયેલ આ 25 વર્ષિય આરોપી અઝીમ અલ્તાફ શેખ અમદાવાદના કાલુપુરમાં પાચપટ્ટી રોડ પર આવેલ ખડકીની પોલ વિસ્તારમાં રહે છે. આરોપીની પુછપરછમાં તેણે કબુલ્યુ હતું કે, તે અરિહંત કિચન નામની દુકાનેથી આ ઈ-સિગારેટનો જથ્થો ખરીદી લાવ્યો હતો તેથી પોલીસે તેને સાથે રાખીને વધુ તપાસ કરતા આરોપી મનોજભાઈ ઝુમરજી લખવારા કે જે મેઘાણીનગરના ભાર્ગવ રોડ સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહે છે તેની અરિહંત કિચન નામની હુક્કા વેચાણની દુકાન ધરાવે છે. ત્યાંથી તપાસ દરમિયાન પોલીસને વગર પાસ કે પરમીટ તથા ગેરકાયદે ઈ-સિગારેટ નંગ 578 મળી આવી હતી.
9 લાખથી વધુની ઈસિગારેટ ઝડપાઈ: પોલીસના હાથમાં આવેલા આ બંને વ્યક્તિ પાસેથી કુલ 628 નંગ પ્રતિબિંધિત ઈ સિગારેટ કે જેની કિંમત 9 લાખ 42 હજાર થવા જાય છે. તે કબજે કરી છે સાથે જ એક મોબાઈલ મળીને કુલ 9 લાખ 67 હજારનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે.