બનાસકાંઠા: તમે જ્યારે પણ કોઈ અજાણી જગ્યા પર જાવ છો તો શોર્ટકટ ક્યારેય ના અપનાવતા. કારણ કે શોર્ટકટ રસ્તો ક્યારેક તમને ભારે પડી શકે છે. હાલમાં આવો જ એક કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. જેમાં બે યુવકો ઇકબાલગઢ નજીક આવેલા જેસોર અભ્યારણ વચ્ચે આવેલા કેદારનાથ મહાદેવના દર્શને ગયા હતા. જે બાદ તેઓ શોર્ટકટ રસ્તો અપનાવી નીચે ઉતરવા જતા જંગલમાં ભૂલા પડી ગયા હતા. જોકે કંઈ જ ના સુજતા આખરે બંને યુવકોએ પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કરી પોલીસની મદદ માગી હતી.
જેસોર અભ્યારણમાં જયરાજ પર્વત પર કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ કેદારનાથ મહાદેવના દર્શન કરવા પહોંચતા હોય છે. ત્યારે પાલનપુરના બે મિત્રો પાલનપુરથી જેસોર કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અને દર્શન કરી પરત ફરતા હતા. તે સમયે બન્નેએ જંગલમાં શોર્ટકટ રસ્તો અપનાવ્યો. જે બાદ આ બન્ને યુવકો ત્રણ કલાક સુધી જંગલમાં ભટકી ગયા હતા.
બીજીતરફ કન્ટ્રોલ રૂમથી મેસેજ મળતા જ ઈકબાલગઢ પોલીસ સ્ટાફના અશોકભાઈ ચૌધરી, ધર્મેશભાઈ અને જીઆરડી સ્ટાફ પરાગભાઈ સુનિલભાઈ, ભાલમાંભાઈ અને સંજયભાઈએ એક ટીમ બનાવીને જેસોર અભ્યારણમાં ગુમ થયેલ બે મિત્રોની શોધ ખોળ હાથ ધરી હતી.પોલીસની ટીમ દ્વારા સતત પાંચ કલાકની ભારે જહમત બાદ જેસોરના જંગલમાંથી બંને મિત્રોને શોધી કાઢ્યા હતા.
જેસોરના ઘનઘોર જંગલામાંથી બે મિત્રોને હેમખેમ પોલીસે બહાર કાઢી બંને મિત્રોએ ઈકબાલગઢ અને બનાસકાંઠા પોલીસનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે જેસોર અભ્યારણ રીંછના વસવાટ વાળો વિસ્તાર છે. વન વિભાગે પણ ઠેરઠેર ચેતવણી રૂપ બોર્ડ લગાવ્યા છે. જોકે દિવસે બંને યુવકો ભુલા પડતા તેમનો જીવ બચ્યો હતો. રાત્રીના સમયે આ જંગલમાં રીંછ અને અન્ય પ્રાણીઓના કારણે જીવનું જોખમ રહે છે.