ગીર સોમનાથ : શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે. આ સમય દરમિયાન પ્રત્યેક વ્યક્તિ તેમના પરિવારજનોની આત્માની શાંતિ અને તેમના આત્માનો વાસ શ્રેષ્ઠ જગ્યા પર થાય તે માટે પિતૃ તર્પણ વિધિ અને પિંડદાન કરતા હોય છે. સનાતન ધર્મમાં પિતૃ તર્પણ વિધિને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
પિતૃ તર્પણ વિધિ અને પિંડદાન : પિતૃ તર્પણ વિધિમાં ચોખા, તલ અને જવમાંથી ત્રણ પિંડ બનાવીને તેનું તર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ આવા પિંડને પવિત્ર ઘાટ, સરોવર કે નદીમાં પધરાવવામાં આવતા હોય છે. ત્યારે સનાતન ધર્મમાં શ્રાદ્ધ વિધિ સાથે પવિત્ર ધર્મસ્થાનો સરોવર, નદી, ઘાટ, તળાવ અને સમુદ્રને પણ મહત્વનું માનવામાં આવે છે.
સોમનાથમાં ત્રિવેણી સંગમ : સોમનાથ મંદિર નજીક હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે. અહીંથી જ આ ત્રણેય નદીઓ સમુદ્રને મળે છે. જેથી ત્રિવેણી સંગમ ઘાટમાં કરવામાં આવેલું શ્રાદ્ધ અને તર્પણ વિધિ ખૂબ જ શ્રેષ્ઠ અને સર્વોત્તમ માનવામાં આવે છે. જેથી શ્રાદ્ધ પર્વ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્રિવેણી સંગમ ઘાટ પર આવીને તર્પણ અને સ્નાન કરતા હોય છે.
શ્રીકૃષ્ણએ કર્યું યાદવ કુળનું પિંડદાન : ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાંથી તેમની લીલા સંકેલીને પ્રભાસ તીર્થ ક્ષેત્રના ભાલકા તીર્થમાં આવ્યા હતા. અહીંથી ભગવાન શ્રીકૃષ્ણએ તેમની લીલા સંકેલી પરલોક ધામ ગમન કર્યું હતું. તે પૂર્વે દ્વારકા સહિત તેમના તમામ યાદવ કુળનું પિંડદાન અને શ્રાદ્ધ વિધિ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ત્રિવેણી સંગમ ઘાટ પર કરવામાં આવી હોવાની સનાતન ધર્મમાં વાયકા છે. આ પરંપરા આજે પણ જળવાયેલી છે.
મહાભારતમાં ત્રિવેણી સંગમનો ઉલ્લેખ : ત્રિવેણી સંગમનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ જોવા મળે છે. ઉત્તરમાંથી હિરણ, પૂર્વમાંથી કપિલા અને ગિરનાર તરફથી આવતી સરસ્વતી નદીનું મિલન સોમનાથ નજીક થાય છે. જેથી તેને ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિવેણી સંગમ સ્થળ પિતૃ શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવે છે. અહીં મહાભારતના સમય દરમિયાન યાદવો અને પાંડવો સ્નાન કરીને પવિત્ર થયાનો ઉલ્લેખ પણ મહાભારત સાથે જોડાયેલો છે. સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ યાદવનો સામૂહિક વિનાશ પણ આ સ્થળે જ થયો હતો.