અમદાવાદ : રામોજી ગ્રુપના ચેરમેન અને સ્થાપક રામોજી રાવનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમદાવાદ બ્યુરો ઓફિસ ખાતે આયોજિત થયો છે. કાર્યક્રમમાં પ્રાદેશિક મીડિયાના ભીષ્મપિતા અને પદ્મશ્રી રામોજી દાદાને કર્મચારીઓએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.
રામોજી દાદાને પુષ્પાંજલી આપવા એકત્ર થયેલા કર્મચારીઓએ ભારતના મીડિયા અને ટેલિવિઝનમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. ભારતીય ભાષાના પત્રકારત્વમાં રામોજી દાદાએ મોટું યોગદાન આપ્યું છે. સેંકડો કર્મચારીઓએ ETV માં ટ્રેનિંગ અને નોકરી કરીને પોતાની કારર્કિદી બનાવી છે.
છેલ્લા 20 વર્ષથી ETV ડિસ્ટ્રીબ્યુશન વિભાગ સાથે સંકળાયેલા પરાગભાઈ શેઠે જણાવ્યું કે, રામોજી રાવનું વ્યક્તિત્વ ખૂબ જ સરળ હતું. તેઓ ઇટીવીના સૌથી નાના કર્મચારીઓને પણ મળતા અને દરેક કર્મચારી માટે રામોજી દાદા હંમેશા ઉપલબ્ધ રહેતા હતા. નાનામાં નાનો કર્મચારી ગ્રૃપના સંચાલનમાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપે તેવો પ્રયાસ કરતા હતા.
રામોજી દાદાને ફીલ્મ અને ટેલિવિઝનની ખુબ જ ઊંડી સમજ હતી. ઇટીવી ગુજરાતીમાં સમાચાર, ફિલ્મ, મનોરંજન વગેરે કાર્યક્રમોનું ઉત્તમ બેલેન્સ કરતા હતા. ભારતમાં પ્રાદેશિક ચેનલોને સ્થાપિત કરવામાં ETV માઈલ સ્ટોન સાબિત થયુ છે. દાદાના જીવનનો હંમેશા મંત્ર રહ્યો છે કે, દરેક કર્મચારીને સમયસર વેતન મળવુ જોઇએ. ભૂતકાળમાં પગાર કરવામાં એક દિવસનું મોડું થતા એકાઉન્ટ વિભાગ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા પણ દાદા ખચકાયા ન હતા. કર્મચારીઓ પ્રત્યે તેમના મનમાં ખૂબ જ સકારાત્મક લાગણી હતી.
ભારતમાં ઉર્દૂ ભાષાના પત્રકારત્વમાં ઇટીવી ભારતનું યોગદાન ખૂબ મોટું રહ્યું છે. અનેક ઉર્દૂ પત્રકારોને ઇટીવી સમૂહે રોજગારી આપી છે. ઉર્દૂ પત્રકારત્વ ભારતમાં પડકાર જનક રહ્યું છે. ઇટીવી સમૂહ દ્વારા બધા પડકારો વચ્ચે ઉર્દૂ અને કશ્મીરી ભાષામાં ચેનલ શરૂ કરીને તેને સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવે છે. ઇટીવી ઉર્દૂ ચેનલ લોકપ્રિય બની છે. રામોજી દાદાએ પ્રાદેશિક ભાષામાં કામ કરતા કર્મચારીઓને વિનામુલ્યે ટ્રેનિંગ આપી હતી. આ ટ્રેનિંગ લેવા આવતા કર્મચારીઓની ટીકીટ, હોટલ, ફૂડ સહિતના તમામ ખર્ચ ઇટીવી ઉપાડતુ હતું. આ ટ્રેનિંગ મેળવીને અનેક કર્મચારીઓ મીડિયા સંસ્થાનોમાં ઉચ્ચતમ પદો પર પહોંચ્યા છે.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન કર્મચારી જોગ રામોજી દાદાના સંદેશનું પઠન કર્યું હતું. દરેક કર્મચારી માટે દાદાના મનમાં અપાર પ્રેમ હતો. ટેલીવીઝનની તમામ આંટીઘુંટીથી દાદા વાકેફ હતા. ચેનલ લોન્ચીંગથી લઈને તેના સફળ સંચાલન માટેની તમામ સમજ દાદામાં ખુબ જ સારી હતી. તેમના આ ટેલેન્ટની ઝલક આપણે ઇટીવીના સંચાલનમાં જોવા મળે છે. ભારતીય ટેલિવિઝનને તેમની ખોટ હંમેશા રહેશે.
આ કાર્યક્રમમાં ઇટીવી સમૂહમાં ડિસ્ટ્રીબ્યુશન સંભાળતા પરાગે શેઠ, અમદાવાદ બ્યુરો હેડ પરેશ દવે, ઇટીવી ટુરીઝમના પ્રતિનિધિ વિપુલભાઈ, ઇટીવી ભારતના પ્રતિનિધિ રોશનબેન આરા, રવિ બાકોલા, દિનેશભાઈ સાધુ, ભીખાભાઈ પરમાર, ચેતન બાંભણીયા, મિહિર પરમાર, હાર્દિક પ્રજાપતિ અને પૂર્વલક ડાભીએ રામોજી દાદાને પુષ્પાંજલી અર્પણ કરીને નમન કર્યા હતા.