કચ્છઃ મધ્ય પ્રદેશ અને છતીસગઢના ગોંડ જાતિના આદિવાસીઓ શરીરે ખાસ પ્રકારના ટેટૂ દોરાવતા હોય છે. કહેવાય છે કે આ ટેટૂ ગોંડ આદિવાસીઓ માટે ધાર્મિક, સામાજિક અને આરોગ્યની દ્રષ્ટિએ બહુ મહત્વ ધરાવે છે. આ ટેટૂ આર્ટ 'ગોંદના' નામે ઓળખાય છે. અત્યારે ગુજરાતના કચ્છમાં 'ગોંદના' ટેટૂ દોરતા આદિવાસી કલાકારો આવેલા છે. અહીં તેઓ ગ્રાહકોના શરીર પર 'ગોંદના' ટેટૂ દોરી રહ્યા છે.
પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરાઃ ગોંડ આદિવાસીઓ માટે આ ટેટૂ માત્ર ફેશન જ નથી પરંતુ પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરા છે. ગોંડ આદિવાસી પુરુષ, મહિલાઓ અને બાળકો પોતાના શરીરે આ ચીન્હો(ટેટૂ) દોરાવીને પોતાની આસ્થા અને પરંપરાનું પાલન કરતા હોય છે. ખાસ કરીને મહિલાઓ માટે આ ટેટૂ બહુ મહત્વના છે. મહિલાઓના જીવનમાં આવતા વિવિધ પ્રસંગોને અનુરુપ તેણીના શરીર પર આ ટેટૂ દોરવામાં આવે છે. જેમકે લગ્ન, માતૃત્વ વગેરે પ્રસંગોને અનુરુપ મહિલાઓના શરીર પર વિવિધ ચિન્હોના ટેટૂ દોરવામાં આવે છે. આ ગોંડ આદિવાસીઓને પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરા છે.
લુપ્ત થઈ રહી છે 'ગોંદના' ટેટૂ આર્ટ: શરીરની શોભા માટે વિશ્વની લગભગ તમામ જાતિઓમાં 'ટેટૂ' કરાવવાનું પ્રચલિત છે. આદિવાસી કલાઓમાં ટેટૂ આર્ટ 'ગોંદના' અગ્રણી કલા છે. તે સૌથી જૂની કલાઓમાંની એક છે. આ કલામાં શરીરનો ઉપયોગ 'કેનવાસ' તરીકે થાય છે. છૂંદણાની પરંપરામાં શરીરના દરેક ભાગ પર અનુરૂપ પેઈન્ટિંગનું ખૂબ મહત્વ છે. આ 'ગોંદના' કલામાં કરવામાં આવતા દરેક ચિત્રનો અલગ અને રસપ્રદ અર્થ છે. આ કલામાં પ્રતીકોનું વિશેષ મહત્વ હોય છે. જો કે 'ગોંદના' ટેટૂ આર્ટ લુપ્ત થઈ રહી છે. હવે બહુ ઓછા કારીગરો આ કલા અંતર્ગત ટેટૂ મુકતા જોવા મળે છે. સરકાર પણ આ લુપ્ત થતી કલાના કલાકારોના વિશેષ પ્રવાસનું આયોજન કરે છે જેથી આ કલાનો ફેલાવો દિન પ્રતિદિન વધતો રહે. ખાસ કરીને અનુસૂચિત જન જાતિ અથવા આદિવાસી મહિલાઓમાં ટેટૂ(છૂંદણા) સૌથી વધુ જોવા મળે છે. જેમાં રાજસ્થાન, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ત્રિપુરા અને કેરળના અંતરિયાળ પ્રદેશોમાં વસતી આદિવાસી પ્રજાના શરીર પર ટેટૂ જોવા મળે છે.
પ્રતીકોનું ખાસ મહત્વઃ 'ગોંદના' ટેટૂ કલામાં શરીર પર દોરવામાં આવતા પ્રતીકોનું ખાસ મહત્વ છે. આ પ્રતીકો ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, તેથી આ પરંપરાના પ્રથમ સંસ્કાર ઉજવણી તરીકે કરવામાં આવે છે. કેટલાક આદિવાસી જૂથોમાં ટેટૂ ન દોરાવેલ સ્ત્રીને નીચી જાતની ગણવામાં આવે છે. જ્યારે કેટલાક આદિવાસી જૂથમાં આ ટેટૂ લગ્ન કરવામાં અડચણરૂપ બને છે. શરીર પરના નિશાનોમાં પ્રિય, દુર્લભ અને પૂજનીય વસ્તુઓના પ્રતીકોની પસંદ હંમેશા રહી છે. શરીર પર કોતરેલા પ્રતીકોને જોઈને, આ પ્રતીકો બનાવનારાના જીવનમાં તે વસ્તુઓનું શું મહત્વ છે તેનો પણ આસાનીથી અંદાજ લગાવી શકાય છે.
મહિલાઓ અને 'ગોંદના' ટેટૂનો ખાસ સંબંધઃ સામાન્ય રીતે, નાની છોકરીઓ તેમના શરીર પર ટપકાં કોતરવાનું પસંદ કરે છે, કિશોરવયની છોકરીઓ ફૂલોના આકાર કોતરવાનું પસંદ કરે છે અને મોટી ઉંમરની સ્ત્રીઓ તેમના પગની ઘૂંટી, ખભા અથવા હાથ પર વીંછી, મોર અને ફૂલો જેવા આકાર કોતરવાનું પસંદ કરે છે.મહિલાઓના શરીરનો 80 ટકા ભાગ આ 'ગોંદના' ટેટૂ કલા દ્વારા ભરી નાખવામાં આવે છે અને ખાસ કરીને પુરુષો છે તે મહિલાના હાથ પગ અને કપાળ પર જ આ કળા મારફતે ટેટૂ કરે છે. શરીરના બાકીના ભાગે મહિલાઓ જ તેમને છૂંદણા કરતી હોય છે.
'ગોંદના' કલા માત્ર શરીર શણગાર માટે નથી પરંતુ તેનાથી આદિવાસીઓની સામાજિક ઓળખ પણ મળી રહે છે. છોકરીઓ 7થી 8 વર્ષની થાય એટલે તેમને તેમના કપાળ પર ટેટૂ કરવામાં આવે છે. કિશોરવયની છોકરીઓ માટે ટેટૂ એ પ્રતીક છે કે તેનું લગ્ન જીવન શરૂ થવાનું છે. મેં ભારત દેશના અનેક રાજ્યોના અનેક વિસ્તારોમાં 'ગોંદના' કલા અંતર્ગત ટેટૂ બનાવ્યા છે...ચમાર સિંહ મમારી(ગોંદના કલાકાર, મધ્ય પ્રદેશ)
ઔષધીય મહત્વઃ 'ગોંદના' કલામાં દોરવામાં આવતા ટેટૂમાં જડીબુટ્ટીના રસનો ઉપયોગ થાય છે. જેમાં રમતીલા પાકના બીજ જે દેખાવે કાળા તલ જેવા હોય છે. તેને શેકી તેના ટુકડા કરી તેનો રસ બનાવવામાં આવે છે. આ રસને કાજલમાં ભેળવી તેના મિશ્રણથી ટેટૂ દોરવામાં આવે છે. આ 'ગોંદના' કલાના ટેટૂ દ્વારા ગાંઠ, ગળાનો સોજો, માંસપેશીઓના વિવિધ રોગોમાં ઉપચાર પણ થતો જોવા મળે છે.
મધ્ય પ્રદેશ આદિવાસી મહિલાઓને ઓળખ આપતી કલાને અત્યારના સમયના ટેટૂએ અસર કરી છે. જેના કારણે શરીરથી માંડીને કાગળ, કાપડ અને કેનવાસ સુધી ટેટૂની શૈલીનો વિસ્તરણ સ્પષ્ટ દેખાય છે. પ્રાચીન કાળથી ટેટૂ લોકોને તેમની સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડી રાખે છે. ખાસ કરીને મહિલાઓને ઓળખ આપતી આ કળા અનોખી છે...મીના મમારી (ગોંદના કલાકાર, મધ્ય પ્રદેશ)