જુનાગઢ: મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભવનાથના છૂટક વેપારીઓ દ્વારા બંધ કરીને વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. આજ સવારથી જ ભવનાથ વિસ્તારમાં તમામ નાના વેપારીઓએ બંધ પાડીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક પ્રદુષણને લઈને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના વિરોધમાં ધંધા રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
વેપારીઓએ પાડ્યો બંધ: મહાશિવરાત્રીનો મેળો પાંચમી માર્ચથી શરૂ થઈ રહ્યો છે. બિલકુલ આ સમયે ભવનાથના નાના વેપારીઓ દ્વારા બંધ પાડીને તેનું વિરોધ વ્યક્ત કર્યો છે. ગિરનારમાં પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને રાજ્યની વડી અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. આવા સમયે કોર્ટના આદેશને પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ભવનાથ પરીક્ષેત્રની સાથે ગિરનાર અભયારણ્યના વિસ્તારમાં પ્લાસ્ટિક સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યું છે. જેને લઈને નાના વેપારીઓમાં ભારે અસંતોષ જાહેર થતાં તેઓ આજ સવારથી જ તમામ વેપાર ધંધા બંધ રાખીને હડતાલ પર ઉતરી ગયા છે
રાજ્યની વડી અદાલતે ફરમાવ્યો પ્રતિબંધ: ગિરનાર પર્વત અને અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે, જેને કારણે રાજ્યની વડી અદાલતે વન વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રને ખૂબ જ આકરા શબ્દોમાં ઝાટકી નાખ્યા હતા અને ગિરનાર તેમજ સમગ્ર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકનુ પ્રદુષણ ન થાય તે માટે કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો જે અંતર્ગત ગઈ કાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત અને સમગ્ર ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં તમામ પ્રકારનું પ્લાસ્ટિક પ્રતિબંધિત છે તેવો આદેશ કર્યો છે જેના વિરોધમાં હવે વેપારીઓ તેના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધમાં જોડાયા છે
સાધુ સંતોએ કરી અપીલ: ભવનાથ પરીક્ષેત્ર માં પ્લાસ્ટિક પ્રદુષણના પ્રતિબંધને આવકારતા જુના અખાડાના થાનાપતિ બુધ્ધગીરી બાપુએ પણ ગુજરાત હાઇકોર્ટે ભાવનાથ વિસ્તારને પ્લાસ્ટિક પ્રદુષણથી મુક્ત રાખવાનો જે આદેશ કર્યો છે, તેનો અમલ કરવાની સૌ કોઈની જવાબદારી છે. મેળામાં આવનાર પ્રત્યેક વ્યક્તિ પોતાની નૈતિક જવાબદારી સમજે અને ગિરનાર જેવી પવિત્ર જગ્યા પ્લાસ્ટિક જેવા અતિ નુકસાનકારક પ્રદૂષણથી દૂષિત થતી અટકે તે માટે સૌ કોઈને વિનંતી કરી છે. તેઓ માને છે કે સૌના સહિયારા પ્રયત્નોથી જ ગિરનાર પર પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર કરી શકાય તેમ છે જેની સૌએ જવાબદારી ઉઠાવવી પડે.