સુરત : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હોવાથી વાહન વ્યવહારના તમામ માધ્યમોને સૌથી મોટી અસર પહોંચી છે. ગુજરાત એસટી વિભાગ દ્વારા જે જગ્યા ઉપર પાણી ભરાયા છે, તે વિસ્તારની બસોને બંધ કરી દેવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 19 જેટલા રૂટ પર એસટી વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાને લઈને ST બસ બંધ કરી દેવામાં આવી છે.
19 રૂટ પર બસો બંધ : સુરત ST વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે, વરસાદના પગલે સુરત એસટી વિભાગની 52 જેટલી ટ્રીપો હાલ બંધ છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતા 19 જેટલા રૂટ પર બસો બંધ કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ, પોરબંદર, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ભુજ અને મધ્ય ગુજરાત તરફના ઝાલોદ, દાહોદ, લુણાવાડાના રૂટ બંધ છે. જ્યારે વડોદરા સીટીમાં પાણી ભરાવાના કારણે અંદર બસો જતી નથી. આ સાથે બાયપાસથી અમદાવાદ રૂટ ચાલુ રહ્યો છે.
સૌરાષ્ટ્રના પ્રવાસીઓ પરેશાન : છેલ્લા ત્રણ દિવસથી સુરત સહિત અન્ય વિભાગની 70થી 80 જેટલી બસો રોજ ચાલતી હોય છે. જેમાંથી સૌરાષ્ટ્ર તરફ જતા પ્રવાસીઓને સૌથી વધુ અગવડતા પડી છે. આજથી પાણી ઉતારવાનું શરૂ થયું છે. હવે ઉપરી અધિકારી દ્વારા સૂચના પ્રમાણે ધીમે ધીમે બસોનું સંચાલન શરૂ કરવામાં આવશે. હાલ સાવચેતીના પગલાં લઈને હાલ ટ્રીપો બંધ જ રાખવામાં આવી છે.