કચ્છ: લોકોને વ્યાજખોરોના દૂષણમાંથી મુક્તિ મળે તે માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઊંચા વ્યાજદરે લોન મેળવીને લોકોને જે કનડગત થાય છે તેના માટે વ્યાજખોરોને રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા લોક સંવાદ કરીને નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી
પોલીસે વ્યાજખોરોથી બચવા યોજ્યો લોકસંવાદ: આ લોકસંવાદ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છના એસપી તથા આઈજીપી પણ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે મોટી માત્રામાં અરજદારો પણ જોડાયા હતા. કુલ 10 જેટલા અરજદારોએ પોતાની રજૂઆત કરી હતી.શહેરના પોલીસ તાલીમ ભવન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકસંવાદ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે અરજદારોની ફરિયાદો સાંભળી હતી અને તેનો યોગ્ય નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી.
પિતાએ 4 લોકો પાસેથી 10 ટકા વ્યાજે લીધી હતી: પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી મુક્ત થવા તેમજ પોતાની સાથે થતા ફ્રોડ અને વ્યાજને લઈને થતી પઠાણી ઉઘરાણી માટે એક લોકસંવાદનો કાર્યક્રમના આયોજન અંગે સોશિયલ મીડિયામાં જાણ થતાં ભુજના યુવાન યશ રાજગોર પોતાની માતા સાથે આજે રજૂઆત કરવા આવ્યો હતો.જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના પિતાએ 4 લોકો પાસેથી 10 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા અને તેમણે લીધેલ રકમ તેમણે વ્યાજ સહિત પરત કરી દીધી હોવા છતાં વ્યાજખોરો દ્વારા ધાક ધમકી કરવામાં આવી રહી છે.
વ્યાજ ચૂકવવા માટે જમીન અને મકાન વહેંચવું પડ્યું: યશના પિતા પરેશ રાજગોરે મોટી રકમ 4 જેટલા વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધી હતી જે ચૂકવ્યા બાદ પણ તેને દુકાન પર જઈને વ્યાજખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે તેમજ તેના દીકરાને પણ ગાળો બોલી તેમજ મેસેજમાં પણ ભૂંડી ગાળો મોકલીને હેરાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે યશના પિતા હાલમાં પોતાના ઘરથી પણ બહાર નથી નીકળી શકતાં વચ્ચે તો તેના પિતા વ્યાજખોરોથી ત્રાસીને કચ્છ મૂકીને બહાર જતા રહ્યા હતા.
વ્યાજખોરો 10 - 10 ટકા લેખે વ્યાજ વસૂલતા: વ્યાજખોરોને રકમ વ્યાજ સહિત પરત ચૂકવવા માટે યશના પિતાએ પોતાની જમીન પણ વેંચી, એક મકાન પણ વહેંચી નાખ્યું હતું છતાં પણ વ્યાજખોરો 10 - 10 ટકા લેખે વ્યાજ વસૂલતા હોવાની વાત યશે કરે હતી. ફરિયાદીએ આરોપીઓ અંગે વાતચીત કરતા તેના નામ જણાવતા જણાવ્યું હતું કે, જુસબ થેબા, જાહિદ સામેજા હનીફ ગગડા અને એક અજાણ્યો વ્યક્તિ જેનુ નામ નથી ખબર તેઓ યશ અને તેના પિતાને હેરાન કરે છે. યશના પિતાએ જે વ્યાજે રૂપિયા લીધા હતા તેના કરતાં વધારે રૂપિયા પરત આપી દીધા છે.
પોલીસ તરફથી સકારાત્મક પ્રત્યુતર: આજે પોલીસ સમક્ષ પ્રથમ વખત આ બાબતે રજૂઆત કરી છે અને પોલીસે તમામ વાત શાંતિથી સાંભળી છે અને અરજી પણ લખાવવામાં આવી છે.પોલીસે પૂરતો સહયોગ આપવા તેમજ વ્યાજખોરોના ત્રાસથી છુટકારો આપવા માટે ખાતરી પણ આપી હોવાની વાત યશે કરી હતી.જોકે યશે ક્યારે અને કેટલી રકમ તેના પિતાએ વ્યાજ પર લીધી હતી તે અંગે ચોખવટ મીડિયા સમક્ષ કરી ના હતી પરંતુ લાખોની મોટી રકમ લીધી હોવાની વાત જ કરી હતી.