રાજકોટ: ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામના અરવિંદ સુવા નામના વ્યક્તિએ ઉપલેટાની તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. આ યુવકે તંત્રને કરેલી અરજી, ફરિયાદો અને રજૂઆતનું તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું બે વર્ષ કરતા પણ વધારે સમયથી નિકાલ નહીં આવતા કે યોગ્ય કામગીરીઓ નહીં કરતાં જવાબદાર તંત્રની કામગીરીથી કંટાળીને ઉપલેટા શહેરમાં આવેલ ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.
ત્રણ વર્ષથી અરજીઓ અને ફરિયાદો ફગાવી: આ અંગે આત્મવિલોપન કરનાર ખાખીજાળિયા ગામના અરવિંદ સુવાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, તે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તાર રહેણાંક વિસ્તાર છે. અને તે વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકું મકાન એટલે કે ગોડાઉન બનાવી લેવામાં આવ્યું છે. જો કે ગોડાઉનના કોઈ આધાર પુરાવા નથી કે તેમની કોઈપણ પ્રકારની મંજૂરી નથી જે બાબતે અમે છેલ્લા ત્રણ વર્ષથી અરજીઓ અને ફરિયાદો કરીએ છીએ જેમાં તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. જેમાં ભ્રષ્ટાચારના કારણે કામગીરી કરવામાં આવી નથી. અમને એવી માંગ છે કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન બનાવવામાં આવ્યું છે તે તાત્કાલિક અસરથી હટાવવામાં આવે અન્યથા સમગ્ર પરિવાર સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
બિનકાયદેસર ગોડાઉન ઊભું કરાયું: આ ખાખીજાળીયા ગામના અને આ ગોડાઉનના પાડોશમાં આવેલ વિસ્તારમાં રહેતા દિનેશ ગોહિલે જણાવ્યું હતું કે, સરકારી જમીન ઉપર બિનકાયદેસર ગોડાઉન ઊભું કરી દેવામાં આવ્યું છે જે બાબતે આ અરજદાર દ્વારા વારંવાર રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાબતે આસપાસના વિસ્તારના લોકોએ તેમના સમર્થનમાં લેખિત સહી કરીને પમ આપી હતી ત્યારે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જેમાં સરકારી જમીનની અંદર કોમર્શિયલ બિન કાયદેસર ગોડાઉન ચાલે છે તેમને બંધ કરો તે બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી.
પી.એ. ચૌહાણનું નિવેદન: ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી પી.એ. ચૌહાણ દ્વારા મીડિયાને માહિતીઓ આપતા જણાવ્યું હતું કે, આત્મવિલોપનનો પ્રયત્ન કરવો એ ખોટી બાબત છે. નિયમ અનુસાર દરેક અરજદારે કામગીરી કરવી જોઈએ અને તાલુકા પંચાયત પણ નિયમ અનુસાર કામગીરી કરતી હોય છે. આ બાબતમાં મૂળ ખાખી જાળીયા ગ્રામ પંચાયતમાં દબાણ બાબતોનો પ્રશ્ન છે એ બાબતે નિયમ અનુસાર ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતેથી કામગીરીઓ કરવામાં આવી રહી છે. અને એ મુજબ આગળ કામગીરી વધી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ રદ કરવા પાત્ર હોય જે બાબતે તાલુકા પંચાયત કચેરી દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.
યોગ્ય કાર્યવાહી કરવામાં આવે: આ ગોડાઉનના કારણે આસપાસના વિસ્તારના રહીશોને ત્યાં રહેવું મુશ્કેલ પડી રહ્યું છે અને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ છે. છતાં તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી બે વર્ષથી નથી કરી રહી જે બાબતે અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સહિતની કચેરીઓમાં રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આ કામગીરી ગ્રામ પંચાયતને કરવામાં આવતી હોય છે જેમાં ગ્રામ પંચાયત આ બાબતમાં કોઈ કામગીરી કરતું નથી . આ કામગીરી ન કરનાર ગ્રામ પંચાયત સામે ઉપલેટા તાલુકા પંચાયત કોઈપણ પ્રકારના પગલાં લેતી નથી તેથી આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી આ બાબતનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે.