સુરત: સુરતના ઉન વિસ્તારના સિટીબસના કર્મચારી અફઝલ રહેમત હુસેન સિદ્દીકીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે ગત સોમવારે રાતે 8 વાગે આશિફ પીંજારી નામનો શખ્સ તેના બે મિત્રો સાથે બીઆરટીએસ બસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા હતોૃા. અને બસ સ્ટેન્ડમાં તેના પાકીટમાંથી રૂપિયા ગુમ થઇ ગયા છે. તેવું કહી અફઝલ હુસેન પર આરોપ મૂક્યો હતો. તે દરમિયાન બોલાચાલી થઈ રહી હતી. ત્યારે આશિફે ગુસ્સામાં અફઝલને તમાચો મારી દીધો હતો.
જ્યારે તેની સાથે રહેલા અન્ય એક શખ્સે લોખંડની પાઈપથી બીઆરટીએસ સ્ટેન્ડના કાચના દરવાજા તોડી નાખ્યા હતા અને કેમેરાને પણ સળિયો મારી નીચે પાડી દીધો હતો. તે સિવાય બસનો કાચ તોડી નાખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે અફઝલે તેમના સિનિયર અધિકારીઓને વાત કર્યા બાદ આશિફ પિંજારી અને તેની સાથેના અન્ય બે શખ્સો સાથે ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેના આધારે પોલીસે ત્રણેય શખ્સોની શોધખોળ શરૂ કરી છે. જોકે, બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે સિક્યુરિટી સ્ટાફ મુકવામાં આવતો હોય છે છતાં આવો બનાવ બનતાં તેઓની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.