કચ્છ: ભુજ તાલુકાના નારાણપર ગામના અરવિંદભાઇ સેંઘાણી છેલ્લાં 14 વર્ષથી ખેતી કરી રહ્યા છે અને છેલ્લાં 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી 4 વર્ષથી તમામ વાવેતર પ્રાકૃતિક ખેતીની મદદથી કરીને મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલમાં તેમણે પોતાની 10 એકરની વાડીમાં 5 એકરમાં મગફળીનું વાવેતર કર્યું તો સાથે જ તેઓ તેલીબિંયા, શાકભાજી તથા કઠોળ સહિતના પાકનું પ્રાકૃતિક રીતે ઉત્પાદન પણ કરે છે. પોતાના પાક માટે અરવિંદભાઈ ખાતર તથા દવા જાતે બનાવે છે જેથી દવા અને ખાતરની ખરીદીમાં ખર્ચ બચે છે.
ઉત્પાદનની ફોન પર એડવાન્સ બુકિંગ: પોતાની વાડીમાં સંપૂણપણે પ્રાકૃતિક ખેતી કરતા અરવિંદભાઇ સફળ રીતે વિવિધ પાકનું વાવેતર કરીને કચ્છભરના ખેડૂતો માટે નવી દિશા કંડારી છે. અરવિંદભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીના કારણે અગાઉની સરખામણીએ પાક ઉત્પાદન પણ મોટી માત્રામાં થાય છે અને ગુણવત્તાયુકત પાક થતાં તેના ઉંચા ભાવ પણ આવે છે. તો સારી ગુણવત્તા અને એકદમ શુદ્ધ અને પ્રાકૃતિક પાક હોતા લોકો ફોન પર એડવાન્સ બુકિંગ કરાવી લેતા હોય છે અને હાથોહાથ વેંચાણ થઇ જતું હોય છે. પરિણામે અરવિંદભાઈએ સારી આવક તો મળે જ છે સાથે સાથે તેમની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો છે.
શાકભાજી, ધાન, કઠોળ, તેલીબિયાંનું ઉત્પાદન: હાલમાં અરવિંદભાઈએ પોતાની વાડીના 10 એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેમાં 5 એકરમાં મગફળીનું વાવેતર કર્યું છે. જયારે વર્ષ દરમિયાન મગફળી, તલ, દિવેલા તો ધાનમાં ઘઉં, બાજરો, કઠોળમાં મગ, ચોળા વગેરેનું વાવેતર સાથે મરીમસાલા તથા 20થી 25 જાતના શાકભાજીનું ઉત્પાદન કરે છે અને જીવન જરૂરીયાતના મોટાભાગના પાક તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે લઇ રહ્યા છે. તેમની વાડીમાં ટામેટા, મરચા, પપૈયા, વટાણા, ભીંડા, ગુવાર, વાલોર, ગાજર, કેરી, બીટ, કોબીજ, મૂળા, મોગરી, જાંબુ, લીંબુ,ચકોતરા, નારિયેળ, દૂધી, કારેલા વગેરે જેવા ફળો અને શાકભાજીનું સફળ ઉત્પાદન તેઓ મેળવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછું અને ઉત્પાદન વધારે: અગાઉ જ્યારે તેઓ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે વધુ માત્રામાં દવા તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા અને જ્યારે ઝેરી દવા છાંટયા બાદ તેની અસર પાક પર થાય અને તે પાકનું પોતે પણ સેવન કર્યું ત્યારે તેમને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવાનો વિચાર આવ્યો હતો. રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ થતો હતો અને ઉત્પાદન ઓછું મળતું હતું હવે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછું અને ઉત્પાદન વધારે મળી રહ્યું છે.
વાડીમાં નાની ગૌશાળા: અરવિંદભાઈ પ્રાકૃતિક ખેતીમાં મહત્વના જરૂરી ઘટકો એટલે કે ગૌમૂત્ર , ગોબર સહેલાઈથી મળી રહે તેના માટે પોતાની વાડીમાં જ નાની ગૌશાળા બનાવી છે જેમાં 20 થી 25 ગૌધન છે. ગોબર-ગૌમૂત્રમાંથી ખાતર સાથે જીવામૃત, ધનામૃત, બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેતીકામમાં તેમના પત્ની અને 5 બહેનો પણ તેમને સાથ આપે છે.
લોકો પણ હવે પ્રાકૃતિક ઉત્પાદનનું સમજે છે મહત્વ: અગાઉ શરૂઆતના સમયમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનની કિંમત લોકો સમજતા ન હતા પરંતુ હવે લોકોને પણ ક્યાંક ને ક્યાંક સમજણ આવી ચૂકી છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરવામાં આવેલ પાકનું સેવન કરવાથી અન્ય બીમારીઓથી બચી શકાશે ત્યારે હવે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોની માંગ પણ વધી છે અને લોકો એડવાન્સ બુકીંગ કરાવતા થયા છે. અરવિંદભાઈની વાડીમાં પાક ઉગે તે પહેલા જ તેમને ઓર્ડર મળી જાય છે.
જાતે જ બનાવે છે ખાતર અને દવા: ઉલ્લેખનીય છે કે અગાઉ રાસાયણિક ખેતી સમયે દવા અને ખાતરની ખરીદીમાં અરવિંદભાઈનો ખર્ચ વધી જતો હતો અને 5 થી 6 લાખના દેવા કરીને દવા ખાતર ખરીદવા પડતા હતા.આ ઉપરાંત ક્યારેક પાક બરાબર ના આવે એટલે ઉપરથી વધારાની નુકસાની થતી હતી ત્યારે હાલમાં પ્રાકૃતિક ખેતી કરવાથી દેવાના બોજમાંથી મુક્તિ મળી ગઇ છે અને જાતે જ ગાયના ગૌબર, ગૌમુત્ર, ખાટી છાશ વગેરેમાંથી ખાતર અને છંટકાવ માટેની દવા બનાવીને તેઓ ખેતી કરી રહ્યા છે.
અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરતા કર્યા: અરવિંદભાઇએ જણાવ્યું હતું કે, કદાચ કયારે કુદરતી પ્રકોપથી પાક નિષ્ફળ જાય તો પ્રાકૃતિક ખેતી કરવાના કારણે ખેડૂતને કોઈ દેવાની ચિંતા રહેતી નથી. ભવિષ્યમાં ફળદ્રુપ જમીન જોઈતી હશે તો તેનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી જ છે. કારણ કે, રાસાયણિક ખેતીથી જમીન બંજર બની રહી છે અને ઝેરી ઉત્પાદનની સાથે સાથે સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. અરવિંદભાઈ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન તો આપે જ છે સાથે તેઓ અન્ય ખેડૂતોને પોતાની વાડીની મુલાકાત કરાવે છે તો સાથે સાથે યોગ્ય માર્ગદર્શન આપીને અત્યાર સુધીમાં 10 જેટલા ખેડૂતોને તેમણે પ્રાકૃતિક ખેતી કરાવતા કર્યા છે. પ્રાકૃતિક ખેતીથી તેઓ તમામ ખર્ચા બાદ કર્યા બાદ વાર્ષિક 10 લાખ જેટલું ટર્ન ઓવર કરે છે.