અમદાવાદઃ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ભારે મંદીના કારણે અમદાવાદમાં હીરા ઉદ્યોગમાં 20 થી 35 દિવસની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આ વચ્ચે હીરાના કારીગરોમાં નિરાશા અને ચિંતા જોવા મળી રહી છે જે ચિંતા આ કારીગરોએ ETV BHARAT ની ટીમ સમક્ષ રજૂ કરી હતી.
'વિદેશી યુદ્ધના કારણે હીરા ઉદ્યોગમાં મંદીની અસર'
વિવેકાનંદ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નરસિંહભાઈ પટેલ જણાવે છે કે, છેલ્લા એક વર્ષથી હીરા ઉદ્યોગમાં અતિ ભારે મંદી જોવા મળી રહી છેે. જે વિદેશી યુદ્ધ થઈ રહ્યા છે તેના કારણે હીરા ઉદ્યોગ ખૂબ પ્રભાવિત થયો છે. કાચો માલ પહોંચી નથી શકતો. આથી આ ઉદ્યોગને ભારી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
'મુખ્મંત્રીને પત્ર લખીને સહાય પેકેજ જાહેર કરવા રજૂઆત કરાઈ'
વધુમાં નરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મેં રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરી છે કે, અંદાજિત લગભગ એક થી દોઢ લાખ જેટલા કારીગરો માત્ર અમદાવાદમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ભારે મંદીના કારણે 20 થી 35 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દિવાળીના તહેવારમાં આ સિવાય બીજો કોઈ ધંધાકીય વિકલ્પ પણ નથી. તેથી એ માટે કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
'છેલ્લા 1 વર્ષથી હીરા ઉદ્યોગમાં અતિભારે મંદી પડી છે'
સહજાનંદ ડાયમંડ એસોસિએશનના માલિક યોગેશ કોરડીયા કહે છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિણામે હીરા ઉદ્યોગને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આટલા વર્ષોમાં કોઈ દિવસ ના આવી હોય તેવી મંદી છેલ્લા એક વર્ષથી આ ઉદ્યોગ વેઠી રહ્યો છે.
'દોઢ લાખ કારીગરો આમાં પીસાઈ રહ્યા છે'
છેલ્લા 40 વર્ષથી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હર્ષદભાઈ બારોટ જણાવે છે કે, મારું ઘર આ હીરા ના કારણે ચાલે છે. હું ખોટું નહીં બોલું, પરંતુ અત્યારે હીરો અમારું ઘર ચલાવી શકતો નથી. મંદી આવી છે. તેના પોતાના કારણો છે. વિદેશમાં યુદ્ધ થઈ રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે અત્યારે અમદાવાદમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 1.5 લાખ કારીગરો પીસાઈ રહ્યા છે.
'આ 3જી મંદીનો સામનો હીરા ઉદ્યોગ કરી રહ્યો છે'
હર્ષદભાઈ વધુમાં જણાવ્યું હતું કે, આ ત્રીજી મંદી છે. આ પહેલા પણ બે વખત મોટી મંદીનો સામનો આ હીરા ઉદ્યોગ કરી ચૂક્યો છે અને તેમાંથી ઉભરી પણ આવ્યો છે. આ મંદી પણ વૈશ્વિક યુદ્ધોની સાથે સમાપ્ત થશે અને ફરીથી આ હીરા ઉદ્યોગ ધમધમતો બનશે.
'હીરાનું કામ કરતા વ્યક્તિનું આજની તારીખે સગપણ પણ નથી થતું'
છેલ્લા 20 વર્ષથી હીરા ઘસવાનું કામ કરતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે, પહેલા એવો સમય હતો કે માત્ર હીરાનું કામ કરે છે તેવું જાણીને છોકરાઓના સગપણ થઈ જતા હતા અને અત્યારે પરિસ્થિતિ એક દમ બદલાઈ ગઈ છે. હીરામાં કામ કરીને 35 થી 40 હજાર મહિને કામતા વ્યક્તિનું પણ સગપણ થતું નથી.
'ઉપાડ બોનસ પણ નથી અપાતું ઉલ્ટાનું વેકેશન જાહેર કરી દેવાય છે'
આ જ વ્યવસાય સાથે સંકળાયેલા અને હીરા ઘસવાનું કામ કરતા દીપસિંહ ડાભી એ કહ્યું કે, અત્યારે ભારે મંદી ઉદ્યોગમાં જોવા મળી રહી છે. સામે કોઈપણ પ્રકારનો ઉપાડ કે બોનસ આપવામાં આવતું નથી, ઉલટાનું કેટલીક જગ્યાએ 20 તો કેટલીક જગ્યાએ 35 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દિવસો દરમિયાન હીરાનું કામ કરતા કારીગરો શું કરશે ? કેમ કરશે ? દિવાળીમાં નવું કપડું લેવું હોય તો પણ પૈસા હોતા નથી. એવી પરિસ્થિતિ અત્યારે આ બધા કારીગરોની થઈ છે.