જૂનાગઢ: ચોમાસાનો માહોલ બિલકુલ જામી રહ્યો છે. ત્યારે આ સમય દરમિયાન સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ચોમાસા દરમિયાન પડતા આ વરસાદના પણ પ્રકારો પાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે લોક બોલી અને પ્રાંત મુજબ વરસાદને બાર પ્રકારના વરસાદમાં વિભાજિત કરવામાં આવતો હોય છે. ફરફરથી શરૂ થઈને હેલી સુધીના 12 પ્રકારના વરસાદો ચોમાસા દરમિયાન કેટલાક પ્રદેશોમાં જોવા મળતા હોય છે. એક સાથે સૌરાષ્ટ્રમાં 12 પ્રકારના એક સાથે પડેલા વરસાદને હેલી તરીકે ઓળખવામાં આવે છે.
વરસાદના 12 પ્રકારો
- ચોમાસા દરમિયાન 12 પ્રકારના વરસાદો પડતા હોય છે. હાથ-પગની રુવાટી માત્ર ભીની થાય તેને ફરફર વરસાદ તરીકે ઓળખવામાં આવે છે.
- ફરફરથી થોડા વધારે છાંટા જોવા મળે તેને છાંટા વરસાદ કહેવામાં આવે છે.
- છાંટાથી મટીને મોટા ટીપા સ્વરૂપે વરસાદ પડે તો તેને ફોરા વરસાદ તરીકે ઓળખવામાં આવે છે.
- ફોરાથી વધારે મોટા છાંટા અને બરફના ટુકડા જેવા વરસાદ પડે તો તેને કરા સાથેનો વરસાદ તરીકે ઓળખવામાં આવે છે.
- ગામડાના લોકો પછેડી રાખે છે. વરસાદથી જો પછેડી ભીની થાય તો તેને પછેડી વા વરસાદ તરીકે ઓળખવામાં આવે છે.
- છાપરા પર કે અગાસી પરથી પાણીની ધાર વહે તેવા વરસાદને નેવાધાર વરસાદ તરીકે ઓળખવામાં આવે છે.
- કૃષિ પાકો પૂરતો વરસાદ થાય તેવા વરસાદને મોલ મેં વરસાદ તરીકે ઓળખવામાં આવે છે.
- વરસાદનું એક છાંટો બીજા છાટાને અડીને ધાર સ્વરૂપે પડે આવા વરસાદને અનરાધાર વરસાદ તરીકે ઓળખવામાં આવે છે.
- અનરાધાર વરસાદની ગતિમાં વધારો થાય તેવા વરસાદને મુશળધાર અથવા તો સાંબેલા ધાર વરસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- વરસાદની તીવ્રતાથી જમીન કે ખેતર પર પડેલા માટીના ઢેફા ભાંગી જાય આવા વરસાદને ઢેફા ફાળ વરસાદ કહે છે.
- અતિભારે વરસાદને કારણે ખેતરો પાણીથી ભરાઈ જાય કુવાના પાણીનો જમીનની સમાંતર આવે આવા વરસાદને પાણ મેંહ તરીકે ઓળખવામાં આવે છે.
- ઉપરના એક સાથે તમામ 11 વરસાદ એક સાથે ભેગા થઈને પડે તો તેને હેલી વરસાદ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે હેલી વરસાદ એક અઠવાડિયા સુધી ચાલતો હોય છે.