દમણ: દમણ જિલ્લાના કડૈયા મંડળમાં મંગળવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાદરા નગર હવેલી અને દમણ પ્રદેશની કાર્યકારી સમિતિની બેઠક યોજી હતી. શ્રી માહ્યાવંશી સમાજ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ કાર્યકરોને વિસ્તૃત માર્ગદર્શન આપવા સાથે સંગઠન જાળવવાનો ગુરૂમંત્ર શિખવ્યો હતો.
મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા: કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કાર્યકરોને અનેક દાખલા અને દૃષ્ટાંતોથી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સંગઠન જાળવવાનો ગુરૂમંત્ર પણ શિખવ્યો હતો. તેમણે દમણ અને દીવની બેઠકના સંદર્ભમાં કોઈનું પણ નામ લીધા વગર સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, રાજકીય ઈચ્છાશક્તિ રાખવી જોઈએ, પરંતુ પાર્ટીના સંકલ્પને અસર નહીં પહોંચે તેની પણ તકેદારી રાખવી જોઈએ. આ કાર્યકારી સમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવતો ધન્યવાદ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં સ્થાનિક વિકાસની રજૂઆત અને દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જમ્મુના કઠુઆમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય સેનાના પાંચ બહાદુર શહીદોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
બીજા પ્રસતાવમાં વિકાસલક્ષી કાર્યોને પ્રાધાન્ય અપાશે: પ્રદેશ ભાજપ દ્વારા રજૂ કરાયેલા બીજા પ્રદેશ વિશિષ્ટ પ્રારૂપ પ્રસ્તાવમાં સંઘપ્રદેશમાં થયેલ પ્રવાસન, શિક્ષણ, આરોગ્ય, ખેલકૂદ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા સશક્તિકરણ તથા ઔદ્યોગિક ક્ષેત્રે અકલ્પનિય અને ઐતિહાસિક વિકાસ તથા પર્યાવરણ સંરક્ષણને પ્રાધાન્ય આપવા કોઈ પગલા લેવામાં આવે તે સંદર્ભે હતો.
દુષ્યંતભાઈ પટેલે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું: દીપ પ્રાગટ્ય કરીને આ સભાની શરૂઆત કરવામાં આવી હતી. આ સભામાં પ્રારંભિક સંબોધન પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ, નટુભાઈ પટેલ, સાંસદ કલાબેન ડેલકર અને પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલે કર્યું હતું. વિસ્તારિત કાર્યકારિણી બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલે કાર્યકરોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સંગઠનનું કામ ફક્ત ડાટા કલેક્શનનું નથી, પરંતુ સંગઠન સંવાદ અને સંપર્ક પણ છે. તેમણે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા ઐતિહાસિક વિકાસથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સિચ્યુએશન બદલી નાખી છે.
તેમણે દમણ અને દીવની બેઠકના પરિણામ અંગે પણ પોતાનું દુઃખ પ્રગટ કર્યું હતું અને દીવથી મળેલા અસાધારણ ઓછા મતની નોંધ પણ લીધી હતી. દુષ્યંતભાઈ પટેલે કોઈના ઉપર પણ દોષારોપણ કર્યા વગર આગળ કામ કરી આવતા દિવસોમાં હકારાત્મક પરિણામનો સંકલ્પ લીધો હતો.
ભાજપનો ઐતિહાસિક વિજય: દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે જણાવ્યું હતું કે, સાથે મળીને સમસ્યાનું સમાધાન કરીને આગળ વધીશું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, તેઓ દમણ અને દીવના પરિણામથી ખુબ વ્યથિત અને દુઃખી થયા છે. તેમણે ખાસ કરીને દીવમાં અપેક્ષા કરતા ઘણાં ઓછા મતો મળવા બદલ પોતાની ચિંતા પણ પ્રગટ કરી હતી. દાદરા નગર હવેલીની બેઠકમાં ભાજપનો ઐતિહાસિક વિજય થવા છતાં ભાજપને ખાનવેલ જિલ્લામાં મળેલી પછડાટની પણ તેમણે નોંધ લીધી હતી અને તેને સુધારવા સાથે મળી દરેકને ટીમવર્કની સાથે કામ કરવા પ્રેરિત પણ કર્યા હતા. આ બેઠકમાં અન્ય અગ્રણીઓમાં દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ અને દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ, સહિત તમામ મંડળ, બુથના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.