ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે. મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કરાયું હતું, જેનો સુખદ અંત આવ્યો છે.
શિક્ષણ મંત્રીની સત્તાવાર જાહેરાતઃ રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે. મુખ્ય શિક્ષક HTAT ના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ટ્વિટ કરીને સત્તાવાર જાહેરાત કરી હતી. ટ્વિટમાં લખ્યું કે, ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ. માન. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.
ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ..
— Dr. Kuber Dindor (@kuberdindor) July 20, 2024
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર.
રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.… pic.twitter.com/xC46LcIW3o
અન્ય નિર્ણયોઃ HTATના તમામ પ્રશ્નો 12 વર્ષ બાદ ઉકેલાવા જઈ રહ્યા છે. બદલીના નિયમો ઘડવામાં આવે અને બદલી કેમ્પ યોજવામાં આવે તે મુખ્ય પ્રશ્ન છે. આગાઉ વધ થયેલા HTAT મુખ્ય શિક્ષકનો વધ રદ કરી વધ થયેલા તમામ મુખ્ય શિક્ષકોને મૂળ શાળામાં તાત્કાલિક પરત કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. અન્ય પ્રશ્નોમાં નિવૃત્તિ સમયનાં લાભો, બદલીની જોગવાઈ કરવામાં આવે છે. જે શાળામાં ધો.1થી 5માં 150થી વધુ અને ધો.6થી 8માં 100થી વધુ સંખ્યા હોય તેવી શાળામાં બે HTAT મુખ્યશિક્ષકની જોગવાઈ કરવામાં આવે છે.
શિક્ષકોનું આંદોલનઃ અગાઉ રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આંદોલનનો માર્ગ ન અપનાવવા કરેલી અપીલને એચટાટના મુખ્ય શિક્ષકોએ ફગાવી દીધી હતી. બદલીના નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. બદલી અને સેવાકીય નિયમો જાહેર ના થતા એચટાટના મુખ્ય શિક્ષકોએ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ મુખ્ય શિક્ષકો પહોંચ્યા હતા.
HTAT મુખ્ય શિક્ષકોને રાહતઃ શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા 12 વર્ષથી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારમાં રજૂઆત છતા નિયમો જાહેર કરાયા નથી. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે અગાઉ 15 જુલાઈ સુધીમાં નિયમો જાહેર કરવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી નિયમો જાહેર ન થતા શિક્ષકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. અન્ય કેટલીક માંગણીઓ પણ મુખ્ય શિક્ષકો તરફથી કરવામાં આવી હતી જેમાં હવે સકારાત્મ સમાચાર સામે આવતા HTAT મુખ્ય શિક્ષકોને રાહત થઈ છે.