રાજકોટ: ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના રનિંગ ટ્રેકને સમકક્ષ 400 મીટરનો એક રનિંગ ટ્રેક બનાવાયેલ છે, આ રનિંગ ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ વર્ષ 2019માં કેબિનેટ મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય સહિતનાઓની ઉપસ્થિતિમાં તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ થયેલા અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રનીંગ ટ્રેકમાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની જાળવણીનો અભાવ ન થતો હોવાને કારણે આ રનીંગ ટ્રેક દિવસેને દિવસે ખરાબ અને ખંઢેર હાલતમાં થઈ રહ્યો છે, ત્યારે આ ખરાબ થયેલા રનિંગ ટ્રેકને લઈને અહીં આવતા અને પરીક્ષાની ફીઝીક્લ તૈયારીઓ કરતા ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી તકલીફો વેઠી રહ્યા હોવાનું અને તંત્રની ઢીલાસથી ખુબ જ નારાજ હોવાનું સામે આવ્યું છે.
ગ્રાઉન્ડ અને રનિંગ ટ્રેકની જાળવણીનો અભાવ: ઉપલેટા નગરપાલિકા દ્વારા બનાવાયેલ આ રનીંગ ટ્રેકની જાળવણી માટેના જવાબદાર તંત્ર આ ખરાબ થયેલા અને જાળવણી ન કરતા તંત્રથી ખુબ નારાજ અને રોષે ભરાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે અંગે યોગ્ય કાર્યવાહી અને કામગીરી કરી યોગ્ય રીતે જાળવણી કરવાની માંગ કરી રહ્યા છે. કારણ કે અહીં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અહીંયાથી પ્રશિક્ષણ લઈને પોતાની ફિઝિકલ તૈયારીઓ અને ફિટનેસ માટેની તૈયારીઓ કરતા હોય છે જેથી આ ખરાબ થયેલા અને જાળવણીના અભાવે ખંઢેર બની રહેલા ગ્રાઉન્ડ અને રનિંગ ટ્રેકને જવાબદાર તંત્ર દ્વારા સાર સંભાળ લઈ પુનઃસ્થાપિત યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરી છે.
તંત્રનું ઉદાસીન વલણ: ઉપલેટાના આ રનિંગ ટ્રેક અને ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરવા માટે આવતા ઉપલેટાના ચિરાગ બારૈયાએ જણાવ્યું હતું કે, તેઓ તેમના મિત્રો અને આસપાસના વિસ્તારના ઉમેદવારો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો સવાર અને સાંજના સમયે અહીંયા રનીંગ માટેની તેમજ ફિઝિકલ ફિટનેસ માટેની તૈયારીઓ માટે છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે, ત્યારે અહીંયા આ રનીંગ ટ્રેકની યોગ્ય જાળવણી કે સાર સંભાળ નહીં લેતા અહીંયાનો રનિંગ ટ્રેક ખરાબ અને ખંડેર હાલતમાં થઈ રહ્યું છે. આ ઉપરાંત અહીં નજીકમાં પાણીને ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે તે ટાંકી બનાવવા માટેના સાધનો જેમકે ટ્રેક્ટર અને જેસીબી આ રનીંગ ટ્રેક ઉપર ચલાવી રનીંગ ટ્રેકને ખરાબ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ બાબતમાં જવાબદાર તંત્ર અને અધિકારીઓને આ અંગે ધ્યાન દોરી ખરાબ કરતા આ સાધનોને અટકાવવા જોઈએ અને ખરાબ થઈ ચૂકેલા એકમાત્ર રનીંગ ટ્રેક અને ગ્રાઉન્ડને યોગ્ય રીતે જાળવણી અને સાર સંભાળ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં યુવકો આવે છે ફિઝીકલ પરીક્ષાની તૈયારી કરવા: આ ગ્રાઉન્ડ ઉપર આવતા અને નજીકમાં રહેતા સ્થાનિક રહેવાસી મહેન્દ્રભાઈ સુરેજાએ જણાવ્યું છે કે, તેઓ આ ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેકની નજીકમાં રહે છે જેમાં છેલ્લા ઘણા સમયથી તેઓ પોતે અને તેમના મિત્રો અને અન્ય વૃદ્ધ મહિલાઓ આ રનિંગ ટ્રેકમાં વોકિંગ માટે અને બાળકોને લઈને પહેલવા માટે આવે છે ત્યારે અહીંયા વૃદ્ધ લોકો જ્યારે થાકી જાય છે અથવા તો તેમને વિરામ લેવો હોય છે ત્યારે અહીંયા આ રનીંગ ટ્રેકના ગ્રાઉન્ડ ઉપર કોઈપણ પ્રકારની બેંચ, બાંકડા કે બેઠક વ્યવસ્થા નથી જેના કારણે તેઓને વિરામ માટે જમીન ઉપર બેસવું પડે છે અને સાથે જ જ્યારે બાળકોને લઈને આવે છે ત્યારે બાળકોને પણ બેસવા માટે કે તેમને વિરામ લેવા માટે કોઈપણ જાતની વ્યવસ્થા નથી ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર અને સરકારે યોગ્ય જાળવણી કરી આસપાસના તાલુકા અને જિલ્લા વિસ્તારના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી કરતા ઉમેદવારો માટેનું એકમાત્ર આ ગ્રાઉન્ડ છે તેમની તંત્ર અને જવાબદાર વિભાગ સાર સંભાળ લેવી જોઈએ અને ખરાબ થઈ રહેલા આ ગ્રાઉન્ડને પુનઃ સ્થાપિત કરવા જોઈએ તેવી માંગ કરી છે.
વર્ષ 2019 માં લાખો રૂપિયાના ખર્ચે બનાવાયો હતો આ ટ્રેક: આ રનીંગ ટ્રેક અને ગ્રાઉન્ડ બાબતે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રમતગમત ક્ષેત્રમાં જેમને સિદ્ધિઓ અને મેડલો હાંસેલ કરેલ છે તેમજ સ્પોર્ટ્સ બાબતે રસ ધરાવતા દાનભાઈ ચંદ્રવાડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં લાખો રૂપિયાના ખર્ચે બનેલ આ રનીંગ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેમજ વૃદ્ધ લોકો પહેલવા માટે હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તારોના રોડ પર વોકિંગ અથવા રનિંગ કરતા હતા તેમની સુખ સુવિધાઓને ધ્યાને લઈ આ રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આ રનીંગ ટ્રેકનું છેલ્લા ઘણા સમયથી યોગ્ય જાળવણી કે સાથ સંભાળ નથી લેવામાં આવતી જેના કારણે રાજકોટ જીલ્લાનું એકમાત્ર ગ્રાઉન્ડ કહી શકાય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સમકક્ષ હોય તેવું આ ગ્રાઉન્ડ અને તેમનો 400 મીટરનો આ રનીંગ ટ્રેક ખૂબ ખરાબ હાલતમાં થઈ રહ્યું છે જેમાં અહીં નજીકમાં ચાલી રહેલા કામ માટેના સાધનો અન્ય ચલાવવામાં આવે છે જેથી આ રસ્તો દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યો છે ઉપરાંત યોગ્ય જાળવણી નહીં કરાતા આ એક માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો માટેનું કેન્દ્ર દિવસે ખરાબ થઈ રહ્યું છે ત્યારે જવાબદાર તંત્ર અને સરકાર દ્વારા પોતાની યોગ્ય જવાબદારી નિભાવવામાં આવે અને આસપાસના શહેર તાલુકાનાજીલ્લાઓના ઉમેદવારો માટેનું એકમાત્ર આ ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેક તાત્કાલિક સમારકામ કરી યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ કરી છે.
ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેક કે જે 400 મીટરનો: ઉપલેટા શહેરમાં આવેલું આ ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેક કે જે 400 મીટરનો છે તે માટે ઉમેદવારો વહેલી સવારે ચાર વાગ્યાથી પોતાની પ્રશિક્ષણ માટેની તૈયારીઓ માટે દોડવા અને ફિઝિકલ ફિટનેસ માટે આવે છે ત્યારે અહીંયા રોજના અંદાજે 150 થી 200 જેટલા ઉમેદવારો હાલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે આર્મી, ફોરેસ્ટ અને પોલીસ વિભાગની પરીક્ષા માટે ફિઝિકલ તૈયારીઓ કરે છે ત્યારે આ રસ્તા ઉપર લાઈટની પણ વ્યવસ્થા નથી અને સાથે જ જાળવણીના અભાવે અહીંયા કાદવ, કીચડ ઉદભવી રહ્યું છે ત્યારે અહીંયા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ અને આસપાસના શહેરને તાલુકા જિલ્લા વિસ્તારના ઉમેદવારો માટેનું એકમાત્ર આ ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેક જવાબદાર તંત્રની અનઆવડત અને કાળજીના અભાવે ખંઢેર થઈ રહ્યું છે. અહીંયા જ્યાં ત્યાં રસ્તા ઉપર જાડી જાખરા ઉગી ચુક્યા છે અને સાથે જ કાદવ કિચનના કારણે દોડવું તો ઠીક પણ ચાલવું પણ મુશ્કેલ પડે છે ત્યારે અહીંયાના સિનિયર સિટીઝનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને આસપાસના નાગરિકો માટેનું એકમાત્ર આ ગ્રાઉન્ડ અને રનિંગ ટ્રેક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય રીતે સાર સંભાળ લઈ જાળવણી કરવામાં આવે તેવી માંગ કરી છે.
તંત્ર સામે યુવકો અને સ્થાનિકોની અનેક રજૂઆત: ઉપલેટાના એકમાત્ર આ ગ્રાઉંડની ખરાબ પરિસ્થિતિને લઈને સ્થાનિક આગેવાનો અગ્રણીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે આ ખરાબ ગ્રાઉન્ડની ખરાબ પરિસ્થિતિને લઈને વખતો વખત જવાબદાર તંત્રને લેખિત ફરિયાદો અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ આ લેખિત ફરિયાદો અને મૌખિક ફરિયાદનું કોઈ પણ પ્રકારનો નિવેડો કે નિકાલ કરવામાં આવતો નથી જેથી આ અમૂલ્યવાન વસ્તુ ખરાબ થઈ રહી છે. આ રનીંગ ટ્રેક અને ગ્રાઉન્ડની જાળવણી જવાબદાર તંત્ર કરતો નથી તેવી પણ ફરિયાદ સ્થાનિકોએ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે લાખો રૂપિયાના ખર્ચે બનેલ અને આસપાસના શહેરને તાલુકા જિલ્લા વિસ્તાર માટેનું એકમાત્ર અમૂલ્યવાન ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેકની જાળવણી બાબતમાં તંત્ર ઊંઘમાંથી જાગી પોતાની જવાબદારી નિભાવે છે કે તેમ તે તો આવતા સમયની અંદર જ ખ્યાલ આવશે ત્યારે આ ખરાબ ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેકની ખરાબ પરિસ્થિતિને લઈને અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે આવતા ઉમેદવારો આગામી દિવસોની અંદર વિવિધ કાર્યક્રમો યોજીને જવાબદાર તંત્રને તેમની જવાબદારી નિભાવવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો અને ફરિયાદો કરશે તેવી પણ સૂત્ર પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે.
નગરપાલિકાના ચીફ ઓફિસરનો જવાબ: આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટિયાએ જણાવ્યું છે કે, તાજેતરમાં પડેલા વરસાદ બાદ આ ગ્રાઉન્ડની હાલત ખરાબ થઈ ચૂકી છે અને પાણીનો ભરાવો થયો છે આ સાથે જ એવું પણ જણાવ્યું છે કે આ રનિંગ ટ્રેક અને ગ્રાઉન્ડનું કામ હજુ અધૂરું છે જેમાં આ ગ્રાઉન્ડ માટે અન્ય કામો મંજુર થયા બાદ પ્રક્રિયાઓ શરૂ છે અને લોકોને વધુ સવલતો અને સુવિધાઓ મળે તે માટેના વિકાસના કાર્યો સરકાર માંથી આવતા જશે તેમ આ ગ્રાઉન્ડનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
વર્ષ 2019માં જે ગ્રાઉન્ડનું લોકાર્પણ થઈ ચૂક્યું છે તે ગ્રાઉન્ડનું હજુ સુધી કામ અધૂરું હોવાનું ચીફ ઓફિસર દ્વારા ઘટસ્પોટ આવ્યો છે ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, 2019 માં જેમનું લોકાર્પણ કેબિનેટ મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય પ્રમુખ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં થયું તે લોકાર્પણનું કામ પૂર્ણ થયા પહેલા કયા આધારે કરવામાં આવ્યો તેને લઈને પણ તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સાથે જ કામ આટલા સમયથી અધૂરું છે તો આટલા વર્ષ સુધી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પૂર્ણ કેમ નથી કરવામાં આવ્યો અને કયા કારણથી કરવામાં નથી આવ્યું તેને લઈને પણ અધિકારી દ્વારા કોઈ ખુલાસો કે સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારે આ અંગે જવાબદાર તંત્ર અને આ સમયગાળા દરમિયાન શાસનમાં રહેલ પદાધિકારી પણ શંકાના દાયરામાં આવી રહ્યા છે.