ઉમરપાડા: રાજ્યમાં ચોમાસાની શરુઆત થતાં જ તંત્રની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે ઉમરપાડા નવી વસાહત વિસ્તારનો કડીરૂપ માર્ગ અંત્યંત ખરાબ થઈ ગયો છે. માર્ગ પર જતા હાલ ચોમાસાની ઋતુ દરમિયાન વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દિન પ્રતિદિન આ માર્ગ ઉપર અકસ્માતો થઈ રહ્યા છે. છતાં માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. તેમજ બીજી તરફ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરાબ રસ્તાના મુદ્દે કંઈ બોલતા નથી.
છેલ્લા ચાર વર્ષથી તેઓની નજર સામે ગ્રામ્ય વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આખરે સ્થાનિક યુવા કાર્યકર સ્નેહલ વસાવા અને કાર્યકરો લોકોની સમસ્યાના નિરાકરણ માટે આગળ આવ્યા છે. તેમણે રસ્તાના મુદ્દે લેખિત જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી છે અને રસ્તાનું કામ ખોરંભે પાડનાર જવાબદાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ શાસક પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી છે. અને માગણી ન સંતોષાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.