પોરબંદર: ગુજરાતમાં ખુબ જ અનરાધાર વરસાદ પડી રહ્યો છે.ત્યારે પોરબંદર જિલ્લામાં ગત 4 દિવસથી વરસાદે સાંબેલા ધાર વરસવાનું શરુ કર્યું હતું અને 4 દિવસમાં 25 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે પોરબંદર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ સર્જાઇ હતી અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે અત્યારથી 40 વર્ષ પહેલા પણ 1982-83ના સમય ગાળામાં આ રીતે જ સ્થિતિ સર્જાઇ હતી ત્યારે અનરાધાર વરસાદે લોકોને તે સમયની યાદ અપાવી છે.
4 દિવસમાં 25 ઇંચ વરસાદ પડતા લોકો પરેશાન: 1982-83 ના સમય ગાળામાં પોરબંદરમાં વરસાદ આફત બનીને ત્રાટક્યો હતો અને શહેરમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જ્યારે છેલ્લા 4 દિવસમાં વરસાદે આશીર્વાદ નહી પરંતુ આફત વરસાવી હોય તેમ 4 દિવસમાં 25 ઇંચ થી વધુ વરસાદ પડતા લોકો ખૂબ જ પરેશાન થયા હતા.પોરબંદરના રાજીવનગર, છાયા, જ્યુબિલી, જનકપુરી સોસાયટી, રોકડીયા હનુમાન અને જીઆઇડીસી વિસ્તારમાં એટલી હદે પાણી ભરાયા હતા જેથી લોકોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું હતું અને તેઓ ઉપરના માળે રહેવા માટે મજબૂર રહ્યા હતા ત્યારે આ પ્રકારની ધટના 1982-83માં આવેલ પુર સમયે આવી પરિસ્થિતી વખતે બની હતી તેવું લોકોએ જણાવ્યું હતું.
1983 ના પુરમાં અને આજની સમસ્યામાં શુ તફાવત: 4 દિવસ બાદ વરસાદ ધીમો પડતા આજે પોરબંદરના રાજીવનગરમાં પાણી ઓસરવા લાગ્યું હતું. પરંતુ છાયા અને બોખીરા વિસ્તારમાં 4 દિવસ સુધી પાણી ભરાયેલ રહેતા લોકોની હાલત કફોડી બની છે. અનેક વૃદ્ધો અને બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતાં. પંચાયત ચોકી ગેટ પાસે આવેલ દુકાનના એક મલિક પ્રીતેશ ચાવડાએ જણાવ્યું હતું કે, 1983ના પુરમાં પાણી ભરાયા હતા. પરંતુ એ સમયે તેના નિકાલ માટે ની વ્યવસ્થા હતી. પરંતુ આ વખતે પડેલ વરસાદના પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા નથી ત્યાં મકાનો બની ગયા છે. ખીજડી પ્લોટ પાસે અને અન્ય સ્થળો પર ખાડાઓ બુરાઈ ગયા છે .જેથી પાણીનો નિકાલ નથી થઈ શક્યો.
1983ના સમયે ચેતવણી રેડિયો પર આપવામાં આવતી: 1983 ના પુર સમયે તંત્ર દ્વારા આગમચેતીના રેડિયો ફરતા અને લોકો ને પુર અંગેની સૂચના આપતા હતા. પરંતુ આ વખતે કોઈ પ્રકારના રેડિયો ફર્યા નથી. સ્માર્ટફોન દરેક લોકો પાસે ન પણ હોય. હાલ આ છાયા વિસ્તારમાં કોઈ નથી ફરક્યું. મુખ્ય સમસ્યા પાણીના નિકાલની છે. લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ એનાથી મોટી સમસ્યા પાણીના નિકાલની છે.