ભાવનગર: ઊનાળો હોય કે શિયાળો હંમેશા નાની મોટી પાણીની સમસ્યા યથાવત રહી છે. ત્યારે ભાવનગરના સુભાષનગરમાં મુખ્યમંત્રી આવસમાં છેલ્લા એક મહિનાથી પાણીનો કકળાટ સ્થાનિકો કરી રહ્યા છે. કમિશનરને રજુઆત કર્યા બાદ સમસ્યા હલ નહી થતા હવે ધરણાની ચીમકી ઉચ્ચારી છે.જો કે વોટર વર્કસ વિભાગ નિરીક્ષણ કરીને હલ કરવાની ખાતરી આપી રહ્યું છે. શું કકળાટ અને શું કારણ છે, પાણી નહિ આવવાનું, જાણો...
સુભાષનગર મુખ્યમંત્રી આવાસમાં પાણી કકળાટ: ભાવનગરના સુભાષનગર મુખ્યમંત્રી આવાસમાં 300 લોકો પરીવાર સાથે રહે છે. ત્યારે પાણીના કકળાટને લઈને સુભાષનગર મુખ્યમંત્રી આવાસમાં રહેતા પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા છે અને અમે ખૂબ ધીરજવાળા છીએ.અમારી પાસે ફરિયાદ આવે પણ અમે સમજીએ છીએ કોર્પોરેશનમાં છીએ છતાં શાસકો અમને પાણી વગરના રાખે છે, એનું કારણ શું છે અમે સમજી શકીએ છીએ. પરંતુ અમારે કોઈની સાથે બહેસ નથી કરવી. અમારે માત્ર અને માત્ર પાણી જોઈએ. અમે પરમ દિવસે પણ કમિશનર સાહેબને મળવા ગયા હતા. કમિશનર સાહેબને રજૂઆત કરી હતી. સાહેબ મિટિંગમાં હતા એટલે અમે બીજા સાહેબ વોટર વર્કસ અધિકારીને વાત કરી હતી. એમણે ખાતરી આપી હતી કે પાણી આવી જશે. સુભાષનગરમાં કાલે અને પરમ દિવસે પણ એક ટીપું પાણીનું કોર્પોરેશને આપ્યું નથી. કાલે માત્ર થોડું ઘણું પાણી આપ્યું છે. અમે ટાકા મંગાવ્યા છે. કોર્પોરેશન ડ્રો કરી કરી એકબીજાને ફાળવણી કરે છે એની સાથે અમને કોઈ વાંધો નથી. ભલે ફાળવણી કરતા હોય, પણ જે રીતે જનસંખ્યા વધતી જાય છે અને અમને પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ એવી અમારી માંગ છે. અમારી માંગ નહિ સ્વીકારાય તો આવતા અઠવાડિયા થી કોર્પોરેશનની સામે કલેક્ટર સામે ધરણા ઉપર બેસીશું.
ઘરના કામ રજળી પડતા ગૃહિણી ત્રાહિમામ: પાણી વગર ઘરનું એક પણ કામ થતું નથી ત્યારે આવાસમાં રહેતી ગૃહિણી ભટ્ટ એકતાબેન સૌરભભાઈએ જણાવ્યું હતું કે, "અરે આમ તો જોઈએ ને તો બે વાર મેં કોર્પોરેશનમાં ગયા હતા. અને આ વખતે તો કોર્પોરેશનમાં અમે ફરિયાદ કરવા માટે ગયા પણ એ દિવસે તો ટીંપુ પાણી આવ્યું નહીં. બાળકોને સવારે સ્કૂલે જવાનું હોય અને પછી જે ઘરવાળા હોય એમને કામે જવાનું હોય તો હવે પાણી ન હોય, રોજનું કામ હોય એ પાણી વગર તો કેમ શક્ય બને.
પોતાનો પાણીનો ટાંકો પૈસા ખર્ચીને મંગાવવો પડે: પાણી જીવન જરૂરિયાતની બાબત છે, ત્યારે આવાસમાં રહેતી ગૃહિણી ચૌહાણ સોનલબેનએ જણાવ્યું હતું કે, એના ખર્ચા અમારે ભાગે પડતા કાઢવાના રહે છે, પણ ઘડી ઘડીએ ટાંકા મંગાવવા પડે તે પોસાય નહિ, માત્ર અમે તો એટલું જ કહીએ છીએ કે પાણી વ્યવસ્થિત આપો અને રેગ્યુલર આપો ભલે થોડુક આપો. પાણીના ટાંકાના 250 કે 300 એ પ્રમાણે હોય છે. અમારે ભાગે તો નહિ પણ ક્યારેક તો સાવ ના હોય તો અમારે એકલાને મંગાવું પડે છે, કેમ કે સિચ્યુએશન એવી ઊભી થાય છે કે ઘરમાં કામ કરવા માટે પાણી તો જોઈએ."
વોટર વર્કસ અધિકારીએ આપ્યો સમસ્યાનો જવાબ: સુપરવાઇઝરના મત મુજબ પાણીની સમસ્યા નથી પણ આવાસના લોકોનો દેકારો ઈશારો જરૂર કરે છે કે સમસ્યા છે, ઠત્યારે વોટર વર્કસ અધિકારી ફાલ્ગુનભાઈ શાહે જણાવ્યું હતું કે, ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં જે મુખ્યમંત્રી આવાસ યોજના છે,ત્યાં 23 તારીખના રહીશો દ્વારા બે દિવસ પહેલા પાણી ઓછું આવવા બાબતે અને કમિશનર સાહેબના રજૂઆત કરેલી હોવાનું મારા ધ્યાન ઉપર આવેલું છે. જે બાબતે અમારા ઝોન સુપરવાઇઝર સાથે આ બાબતે તપાસ કરતા પાણી ઓછા પ્રમાણમાં આવતું હોય તેવી શક્યતા જણાય છે. એટલે આજરોજ તેની ચકાસણી કરી પાણી ઓછું મળવાના કિસ્સામાં ઘણી વખત કોઈ અન્ય કામ ચાલતું હોય ત્યારે પણ જો લાઈન ડિસ્ટર્બ થઈ હોય તો તેને પણ અમે તાત્કાલિક ટ્રેસ કરી અને આ પાણીની નેટવર્ક જે છે તે ડિસ્ટર્બ ના રહે અને પૂરતા પ્રમાણમાં પાણી સપ્લાય જળવાઈને વિસ્તારને મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા કાર્ય કરવામાં આવશે."