ગાંધીનગર: ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ટામેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી થવાના કારણે છેલ્લા ઘણા દિવસોથી ભાવ આસમાને પહોંચ્યા છે.
દેશના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ ચોમાસાની શરૂઆત થતાં રેકોર્ડ તોડી રહેલી આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે તો બીજી તરફ બદલાયેલા હવામાનની અસરના કારણે લોકોના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે. વાસ્તવમાં અત્યારે શાકભાજીના ભાવમાં વરસાદના કારણે ભારે વધારો થયો છે, જેની અસર સીધી સામાન્ય જનતાને પડી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવતા ટામેટામાં ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જવાને કારણે સ્થાનિક બજારમાં ઊંચા ભાવે વેચાય છે. દક્ષિણ ભારતમાં પડેલા વરસાદની સીધી અસર ગુજરાતમાં ટામેટાના ભાવ પર પડી છે.
ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: અમદાવાદ અને ગાંધીનગરમાં ટામેટા લોકોને રડાવી રહ્યા છે, ટામેટાના ભાવ રિટેલ માર્કેટમાં પ્રતિ કિલોના રૂપિયા 100ને આંબી ગયા છે. ત્યારે હોલસેલમાં પણ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો ટામેટા વેચાઈ રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગમાં દરરોજ વપરાશમાં લેવામાં આવતા ટામેટા અને ડુંગળીના ભાવોમાં પણ જોરદાર વધારો થયો છે. જીવન જરુરીયાતની વસ્તઓમાં ભાવ વધારો થવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલો: સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા અંદાજે 15-20 રુપિયા પ્રતિ કિલોના મળતા હોય છે, જેનો ભાવ હાલમાં 50 રુપિયાની આસપાસ છે. લીલા શાકભાજીના ભાવ અંદાજે 100થી લઈને 150 રુપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ટામેટાની આવક ઓછી થતા સદી ફટકારી છે. સામાન્ય દિવસોમાં અંદાજે 20-30 રુપિયા પ્રતિ કિલો મળતા ટામેટા હાલમાં 100 રુપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે.
ચોમાસાની અસર શાકભાજી પર પડી: ગાંધીનગર આલમપુર એપીએમસીના વેપારીના માનાજી મોદીના જણાવ્યા મુજબ ટામેટાની આવક ઓછી આવવાને લીધે ભાવોમાં અચાનક વધારો થયો છે. ટામેટા મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી આવતા હોય છે. ટામેટા દક્ષિણ ભારતથી આવતા હોવાથી તેનો ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જાય છે. તેથી હાલમાં તેનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સીધું પહોંચ્યો છે. શિયાળામાં ગુજરાતના સ્થાનિક ટામેટાની આવક શરૂ થતા ભાવ નીચા આવે છે. ચોમાસામાં વધુ વરસાદને કારણે ટામેટા બગડી જતા હોવાથી પણ ભાવ ઊંચકાય છે. ટામેટાનો ભાવ જુલાઈ માસમાં ઊંચો રહેવાની સંભાવના છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં માલની આવક વધે તો ટામેટાના ભાવ નીચા આવશે. દર વર્ષે વરસાદની શરૂઆતમાં થોડા દિવસો શાકભાજીનો ભાવ ઊંચો રહે છે.
ગાંધીનગરના રહેવાસી સોનલબેન રાવલે જણાવ્યું કે શાકભાજીના ભાવ વધવાથી મોંઘવારીએ માઝા મૂકી છે. મધ્યમ વર્ગનો પરિવાર લીલા શાકભાજી ખાઈ શકતો નથી. મોટાભાગના શાકભાજીનો ભાવ ₹100 થી વધુ છે કેટલાક શાકભાજી ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો સુધી ગયા છે. મકાનની લોન ચાલુ છે લોનના હપ્તા ભરીએ કે ઘર ખર્ચ કરીએ.
નિવૃત્ત શિક્ષિકા કોકીલાબેને જણાવ્યું કે વરસાદને કારણે ખેતરમાં મજૂરો જઈ શકતા નથી. માર્કેટમાં શાકની આવક ઓછી થતા ભાવ ઉચકાઈ ગયા છે. ડુંગળી ગરીબોની કસ્તુરી છે. ગરીબો ડુંગળી અને મરચું ખાઈને દિવસો કાઢતા હતા. ડુંગળી બટાકાનો ભાવ પણ આસમાને ગયો છે. લીલા શાકભાજી અને કઠોળ બંને મોંઘા છે.