બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને દર ચોમાસે વીજ લાઈન માટે ધાંધિયા થતા હોય છે અને સામાન્ય વરસાદ થતાની સાથે જ બે દિવસ સુધી ખેડૂતોના ખેતરોમાં વીજ પુરવઠો ના આવતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવાનો વારો આવતો હોય છે. ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવાં છતાં વાવ તાલુકાના GEB વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેતા ખેડૂતોને આજે પણ સામાન્ય વરસાદમાં વીજ પુરવઠા વગર પારાવાર હાલાકી ભોગવવી પડે છે.
વાવ તાલુકાના તીર્થગામના 66 kw સબ સ્ટેશનમાંથી ધરાધરા ખેતીવાડી માટે વીજ પુરવઠો આપવામાં આવે છે. જેમાં ધરાધરા, મોરીખા, દેથળી અને ડોડ ગામના ખેડૂતોનો સમાવેશ થાય છે. જોકે વીજ લાઈન વર્ષો અગાઉની જૂની હોવાના કારણે, વીજ લાઈનની લંબાઈ વધુ હોવાના કારણે, વહીવટી તંત્ર દ્વારા પૂરતું સમાર કામ ના કરવા ના કારણે અને વધુ કનેક્શન હોવાના કારણે ખેડૂતોને પૂરતો પાવર ના મળતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.
ખેડૂતોને હાલાકી: ત્યારે ખેડૂતોની ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતને ધ્યાનમાં લઈને વાવ GEB કચેરી દ્વારા તીર્થગામ થી ધરાધરા સુધી નવી વીજ લાઈન ઊભી કરવામાં આવી હતી. જોકે વીજ લાઈન ઉભી કર્યાને આજે છ માસ જેટલો સમય વિતવા છતાં વહીવટી તંત્ર દ્વારા પેનલ મારી ચાલુ ના કરતા આજે પણ ચોમાસામાં ધરાધરા, મોરીખા, ડોડગામ અને દેથળી સહિતના ગામના ખેડૂતો સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો ફોલ્ટ જતાં બે-બે દિવસ સુધી વીજ પુરવઠો ના આવતાં ખેતરોમાં વીજ લાઈન ના આવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે વારંવાર રજૂઆત કર્યા બાદ વાવ કચેરી દ્વારા વીજ લાઈન નવી તો ઉભી કરવામાં આવી પરંતુ છ માસ બાદ પણ પેનલ મારી વીજ પુરવઠો ના આપતાં આજે પણ અત્યારે એ જ હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. સામાન્ય વરસાદ થાય એટલે વીજ લાઇટ ફોલ્ટ જતી રહે છે. અને બે દિવસ સુધી ખેતરોમાં પૂરતી લાઈટ નથી મળતી તેના કારણે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોને અત્યારે ભારે હાલાકી ભોગવાનો વારો આવે છે.
ખેડૂતો કરશે ઉપવાસ આંદોલન: ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો, વૃદ્ધ, મહિલા અને માતાઓને વીજ લાઈન વગર મચ્છર કરડવાથી બીમારીનો પણ સામનો કરવો પડતો હોય છે. અને ભારે ગરમીના કારણે નાના બાળકો તેમજ વૃદ્ધ, માતાઓ અને વડીલો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રને અમારી વિનંતી છે કે તાત્કાલિક નવીન પેનલ મારી ખેડૂતોને વીજ લાઈન પૂરી પાડવામાં આવે. નહિ તો આવનારા સમયમાં તમામ ગામોના ખેડતોને ન્યાય નહીં મળે તો તમામ ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે.
ખેડૂતોનું કહેવું છે કે જો અમારી જોડે પૈસાની સગવડ ના હોય અને અમારું બિલ એકાદ મહિનો મોડુ ભરાય તો તરત કચેરીથી માણસો આવી વીજ લાઈન પાવર કાપી નાખે છે. ત્યારે અમારે વીજ પુરવઠો ના મળે તો અમે રજુઆત કરીએ તો અમારી કોઈ રજુઆત સાંભળતું નહીં એટલે આખરે અમારે ન્યાય નહીં તો આંદોલન કરવાની ફરજ પડશે અમારા હક માટે.
ધરાધરા ગ્રામ પંચાયત દ્વારા પણ પાલનપુર જિલ્લા કચેરીએ 10 દિવસ અગાઉ રજુઆત કરવામાં આવી હતી. છતાં કોઈ નિર્ણય ના આવતાં હવે આખરે અમને વીજ પુરવઠો પૂરતો નહીં મળે અને તાત્કાલીક પેનલ ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં કચેરી આગળ ઉપવાસ ઉપર બેસવાની નોબત આવશે.
ભારતીય કિસાન સંઘના આગેવાનનું કહેવું છે કે વાવ વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો નહીં મળતો તે બાબતે ખેડૂતો એ સાથે મળીને અમને રજુઆત કરી છે. અમે વહીવટ તંત્ર ખેડૂતો વતી જાણ કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય તો અમે સાથે મળીને મહેસાણા MD જોડે જઈને રજુઆત કરીશું અને ખેડૂતોને ન્યાય અપાવીશું.