પોરબંદર: માધવપુર ઘેડના લોકમેળાનો પ્રારંભ તા.17 મી એપ્રિલ-૨૦૨૪ના રોજ સાંજે ૬ કલાક બાદ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે થવાનો છે. બે સંસ્કૃતિને એક તાંતણે બાંધતા માધવપુરના લોકમેળામાં લોક સુવિધાને અગ્રતા આપવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.
તા.17 થી 20 સુધી વિવિધ કાર્યક્રમો: માધવપુર ઘેડના ગ્રાઉન્ડ ઉપર વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં સ્ટેજ કાર્યક્રમો થશે. રોજ સાંજે ગુજરાતના અને ઉત્તર પૂર્વના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે. તા.17 થી તારીખ 20 સુધી કાર્યક્રમો ઉપરાંત રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ પણ યોજવાનો છે. દ્વારકા ખાતે પણ તારીખ 21 ના રોજ સાંજે ચાર કલાકે રિસેપ્શન સ્વાગત કાર્યક્રમ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ પ્રસંગ યોજાશે.
રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને પ્રવાસન નિગમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન: વિવિધ કાર્યક્રમો થવાના છે. હસ્તકલાના કારીગરોનો પણ સ્ટોલ તેમજ ફૂડ સ્ટોલ અને બીચ રમતો સહિતનું પણ આયોજન કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશ, આસામ, નાગપુર અને ત્રિપુરાના 60 સ્ટેજ કલાકારોનું પોરબંદરમાં આગમન થયું છે .તેઓ કાલથી રોજ સાંજે ગુજરાતના કલાકારોની સાથે સ્ટેજ પરફોર્મન્સ આપવાના છે. એ જ રીતે હસ્તકલાના ઉત્તર પૂર્વના ૬૦થી વધુ કારીગરો પણ તેમની કલાકૃતિ રજુ કરશે. એ જ રીતે સાત સ્ટોલ ફૂડના પણ ઉત્તર પૂર્વના છે.
સ્થાનિક ટુકડીઓ દ્વારા વ્યવસ્થા: પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર શ્રી કે.ડી લાખાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થાનિક ટીમો દ્વારા પીવાનું પાણી, આરોગ્ય વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા પાર્કિંગ, સ્વચ્છતા, એકોમોડેસન, સહિતની કામગીરી કરી લોક સુવિઘાને અગ્રતા આપવા સ્થળ નિરીક્ષણ અને જુદી જુદી સમિતિ બનાવી કર્મચારીઓને ફરજો સોંપવામાં આવી છે. આજે જિલ્લાના અધિકારીઓની ટીમે રિહર્સલ કરી સમગ્ર તૈયારીને આખરી ઓપ આપ્યો હતો.
માધવપુર એક સાંસ્કૃતિક વિરાસત: માધવપુર ઘેડનો મેળો ઉત્તર પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિનો અનુબંધનો મેળો છે. પૌરાણિક કથાઓ અને ઉલ્લેખો મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ માધવપુર ઘેડમાં થયા હતા. મહાભારતકાળથી માધવપુર એક સાંસ્કૃતિક વિરાસત છે. માધવપુર ઘેડ અને દ્વારકા ભાવનાત્મક રીતે જોડાયેલા છે.
સમીક્ષા મિટિંગ: દ્વારકા ખાતે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાતા માધવપુરના મેળા અંતર્ગત તા.21 ના રોજ સાંજે ચાર કલાકે રિસેપ્શન સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગે અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે પણ સમીક્ષા મિટિંગ યોજાઇ હતી.