અમદાવાદ: ગુજરાત વિધાનસભાની વિસાવદર વિધાનસભા બેઠકના મતદાર કૈલાશ સાવલિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી હતી, જેમાં વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવાની માંગ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવાની આ માંગ કરતી જાહેરહિતની અરજીને ફગાવી દીધી હતી .
ધારાસભ્ય વગરની વિસાવદર બેઠક : આ સંદર્ભે સિનિયર એડવોકેટ પર્સી કવિને જણાવ્યું હતું કે, વર્ષે 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા બેઠક પર જીતેલા ઉમેદવાર રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ હજી સુધી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ નથી. વધુમાં જાહેર હિતની અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી 2027 માં યોજનાર છે. ત્યાં સુધી વિસાવદર વિધાનસભાની પ્રજા અને ધારાસભ્ય વગર રાખી શકાય નહીં. આ બેઠક પર 2022ની ચૂંટણીમાં હારેલા ઉમેદવારે વિજેતા ઉમેદવારની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. આ અંગેની ચૂંટણી પિટિશન પેન્ડિંગ હોવાના કારણે હજી સુધી ચૂંટણી થઈ રહી નથી અને પેટાચૂંટણી ના યોજાય તે માટે ચૂંટણી પંચ જવાબદાર નથી.
ગુજરાત હાઈકોર્ટનું વલણ: આ મુદ્દે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ અરજદારની આ PILની અરજી રિજેક્ટ કરતા કહ્યું કે, 2022થી વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં હારેલા ઉમેદવારે જીતેલા ઉમેદવારની જીતને ચેલેન્જ કરી હતી, હાઇકોર્ટમાં આ પીટીશન પેન્ડિંગ છે, જેના કારણે ચૂંટણી યોજાતી નથી. ઇલેક્શન પિટિશન હાઇકોર્ટમાં પડતર હોવા પર ચૂંટણી પંચનો કોઈ કંટ્રોલ નથી. આવી ઇલેશન પીટીશન ઝડપથી ચાલે તે જોવાની જવાબદારી અરજદારની છે.
અરજદારની માંગ: અરજદારે આ અંગેની અરજીમાં જણાવ્યું હતું કે, પિટિશન કરનાર કાયદાનો લાભ લઈ જાય ત્યાં સુધી પ્રતિનિધિત્વ ન થઈ શકે તેવી સિચ્યુએશન ઊભી થઈ છે એટલા માટે અમે માંગ કરી રહ્યા છીએ કે ચૂંટણી પંચ વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજે.
વિસાવદર બેઠકની રાજકીય સ્થિતિ: ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી એ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર જીત હાંસલ કરી હતી, ત્યારે ભુપત ભાયાણીની જીતને ભાજપના હર્ષદ રીબડીયા અને એક ઉમેદવાર મોહિત માલવીયાએ હાઇકોર્ટમાં પડકારી હતી. ત્યાર પછી આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી આમ આદમી પાર્ટી છોડીને ભાજપનો ખેશ ધારણ કરી ભાજપમાં જોડાય ગયા હતા, જેના કારણે વિસાવદર વિધાનસભામાં હજી સુધી કોઈ ધારાસભ્ય નથી અને ધારાસભ્યનું પદ ખાલી છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી સાથે વિસાવદર વિધાનસભા પર પેટા ચૂંટણી જાહેર થવાની હતી પરંતુ વિસાવદર ચૂંટણીને લઈ ત્રણ જેટલી પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ હતી જેના કારણે ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી ન હતી.