મોરબી: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરનાં પેડક રોડ ઉપર રવિરાજ રેફ્રિજરેશન પેઢીમાંથી મેંગો પલ્પ, સીતાફળ પલ્પ, દ્રાક્ષ અને દાડમના દાણા સહિત 3.30 લાખનો 1,150 કિલોગ્રામ અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફૂડ લાઇસન્સ વિના બિઝનેસ કરતા 7 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે શહેરના કાલાવડ રોડ, નાનામવા રોડ, ભક્તિનગર સહિતના વિસ્તારોમાં આવેલી મીઠાઈ સહિતની દુકાનોમાંથી 32 નમૂના લેવામાં આવ્યા હતા.
50 કિલો વાસી જથ્થો મળ્યો: રાજકોટ મનપાની ટીમે તહેવારોને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અધિકારી ડો. હાર્દિક મેહતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા, કે.એમ. રાઠોડ, સી.ડી. વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પેડક રોડ ઉપર વલ્લભનગર શેરી નં.-1 માં રવિરાજ રેફ્રિજરેશન પેઢીમાં આવેલ કોલ્ડ સ્ટોરેજની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં કોલ્ડ રૂમમાં વિવિધ બ્રાન્ડના આઈસક્રીમ, મિલ્ક પ્રોડક્ટ, ફ્રૂટ, ફ્રૂટ પલ્પ, વગેરનો અલગ અલગ વેપારીઓની માલિકીનો જથ્થો સંગ્રહ કરતાં હોવાનું માલૂમ પડ્યું હતું.
વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી: કોલ્ડ રૂમની તપાસ કરતાં શિવમ ફ્રૂટના માલિક રમેશભાઈ સિંધવ દ્વારા રાખેલ મીઠાઇના ઉત્પાદકો તથા જ્યુશ પાર્લરના ધંધાર્થીઓને વેચાણ કરવા માટે સંગ્રહ કરેલ મેંગો પલ્પ 850 KG, સીતાફળ પલ્પ 250 KGનો જથ્થો લેબલ વગરનો અનહાઈજેનિક રીતે રાખેલો તથા દુર્ગંધયુક્ત જોવા મળ્યો હતો. જે અખાદ્ય હોવાનું જથ્થાના માલિકે સ્વીકાર્યું હતું, તેમજ અન્ય ફ્રૂટ જેવા કે દ્રાક્ષ તથા દાડમના દાણાનો 50 KG જથ્થો વાસી થયેલો જોવા મળ્યો હતો. જેથી કુલ મળીને અંદાજીત 1150 કિલોગ્રામ અખાદ્ય જથ્થો (અંદાજિત કિંમત રૂ.3,30,000) માનવ આહાર માટે ફરી વેચાણ/ઉત્પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી SWM વિભાગના વાહન દ્વારા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા, ખાધ્યચીજો પર કાયદા મુજબ લેબલમાં વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
21 ધંધાર્થીની ચકાસણી કરવામાં આવી: આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મોરબી રોડ જકાતનાકાથી ભગવતી પરા બ્રિજ સુધી તથા રૈયા ચોકડીથી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 7 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવ્યું. તેમજ ખાદ્યચીજોના કુલ 34 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: