જૂનાગઢ : 21 મી સદીમાં પ્રથમ વખત હોલિકા દહનના દિવસે ચંદ્રગ્રહણનો ખગોળીય નજારો સર્જાવા જઈ રહ્યો છે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નહીં હોવાને કારણે તેની નકારાત્મક અસરો વ્યાપકપણે જોવા મળશે નહીં. પરંતુ ગ્રહણને લઈને કેટલાક સુતક પાળવાની જ્યોતિષાચાર્ય પ્રત્યેક વ્યક્તિને સલાહ આપી રહ્યા છે.
હોલિકા દહનના દિવસે ચંદ્રગ્રહણ : આવતીકાલે હોલિકા દહનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે 21 મી સદીમાં પ્રથમ વખત હોલિકા દહનના દિવસે ચંદ્રગ્રહણ સર્જાવા જઈ રહ્યું છે. જેના કારણે હોલિકા દહનના સમયમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. 2024 ના પ્રથમ ચંદ્રગ્રહણના ભાગરૂપે હોલિકા દહનના સમયે થનારું ચંદ્રગ્રહણ ભદ્રાનો સાયો મંગળ, શુક્ર અને શનિનો ત્રિગ્રહી યોગ તથા સૂર્ય, બુદ્ધ તેમજ રાહુનો બીજો ત્રિગ્રહી યોગ થઈ રહ્યો છે.
ભારતમાં ગ્રહણ નહીં દેખાય : સનાતન ધર્મના શાસ્ત્રો મુજબ ભદ્ર કાળમાં રક્ષાબંધન અને હોલિકા દહન પર સંપૂર્ણપણે નિષેધ ફરમાવવામાં આવ્યો છે. ભદ્રા કાળમાં હોલિકા દહન કરવામાં આવે તો અનિષ્ટ થતું હોવાની પણ માન્યતા છે. ચંદ્રની કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. તેથી તેને ધાર્મિક રીતે પાળવાનું પણ નથી.
શું કરવું અને શું ન કરવું ? ચંદ્રગ્રહણનું કોઈ મોટું સૂતક લાગશે નહીં, પરંતુ આપણી ધાર્મિક પરંપરા અનુસાર ગ્રહણના દિવસે પ્રત્યેક વ્યક્તિ કેટલીક સાવધાની રાખે તેને ઇચ્છનીય પણ માનવામાં આવ્યું છે. આપણી માન્યતા અનુસાર ગ્રહણના દિવસે ગર્ભવતી સ્ત્રીઓને સીધા ચંદ્ર કે સૂર્યના સંપર્કથી બચવું જોઈએ. વધુમાં ગ્રહણ પૂર્ણ થયા બાદ પ્રત્યેક વ્યક્તિએ સ્નાન કરીને શરીરને શુદ્ધ કરવું જોઈએ. સાથે જ ગ્રહણના આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિને બને ત્યાં સુધી ભોજન ગ્રહણ કરવાનું પણ ટાળવું જોઈએ.
સૂતકનો સમયગાળો : ચંદ્ર અને સૂર્ય ગ્રહણને લઈને જ્યોતિષાચાર્ય દ્વારા સૂતકના સમયગાળાને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યગ્રહણ શરૂ થાય તે પૂર્વે 12 કલાકનો સમયગાળો સૂતકની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આ સમય દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિથી દૂર રહેવું જોઈએ. તેવી જ રીતે ચંદ્રગ્રહણ લાગવાના 9 કલાક પૂર્વે સૂતક લાગતું હોય છે. આ 9 કલાક અને ગ્રહણનો મોક્ષ થયા બાદ પ્રત્યેક વ્યક્તિએ પોતાની દૈનિક ક્રિયામાં જોડાવું જોઈએ.