સુરત: 1 જુલાઈ સોમવારથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ નામના ત્રણ નવા કાયદા અમલમાં આવી ગયા છે. જ્યારે બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડેંસ એક્ટનો હવે અંત આવી ગયો છે. જુના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે. મુજબ નવા કાયદા હેઠળ ઝડપથી ન્યાય થશે. નવા કાયદાઓમાં ઓનલાઇન પોલીસ ફરિયાદ, ઝીરો એફઆઇઆર, ગંભીર ગુનાના સ્થળની ફરજિયાત વીડિયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે.
નવા કાયદા અમલમાં આવતાની સાથે સૌ પ્રથમ દિલ્હીમાં કેસ નોંધાયા બાદ અન્ય રાજ્ય અને જિલ્લાઓમાં પણ કેસ નોંધાય રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે નવા કાયદા મુજબ સૌ પ્રથમ ગુનો દાખલ કર્યો હતો અને તે પણ એક ટ્રક ચાલક સામે.
ઓલપાડ પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ઓલપાડ ટાઉનમાં આવેલ રણછોડરાય મંદિરની સામે GJ 11 Z 7183 નંબરની ટ્રક કોઈ પણ જાતના રીફ્લેકટર નહીં રાખી પાર્કિંગ કરી હતી અને આવતાં જતાં વાહનો તથા રાહદારીઓને અડચણ રૂપ થાય તે રીતે અને અકસ્માત થવાનો સંભાવના દેખાતી હતી. જેને લઈને ઓલપાડ પોલીસે તુરત ટ્રક ચાલક યાસિન કાસમની અટકાયત કરી હતી અને ઓલપાડ પોલીસ મથકના પીઆઈ રાકેશ જાદવ માર્ગદર્શન અને સૂચના હેઠળ હેડ કોન્સ્ટેબલ તેજસ પ્રકાશ ભાઈ જાતે ફરિયાદી બની ટ્રક ચાલક વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો દાખલ કર્યો હતો અને 5000 નો દંડ ફટકારી જામીન પર મુક્ત કર્યો હતો.