વલસાડ: કહેવાય છે કે સુરતમાં જ્યારે પેશ્વાઇ સમયનું રાજ હતું ત્યારે વલસાડમાં પેશવાઈ રાજાના સમયમાં ગણેશજીનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું, જે આજે પણ હયાત છે અને અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આજે પણ અનેક ભક્તોની મનોકામના અહી દર્શન કરવા માત્રથી પૂર્ણ થાય છે. આથી સંકટ ચોથના દિવસે અનેક ભક્તો દર્શનાર્થે મંદિરમાં ઉમટી પડ્યા હતા.

વિઘ્નહર્તાને લાલ વસ્ત્રો અને અલંકારથી શણગારવામાં આવ્યા: વલસાડના મુખ્ય બજારમાં આવેલું આ ગણપતિનું મંદિર જે વર્ષો જૂનું અને પેશવાના સમયમાં બનાવવામાં આવેલું હોવાનું ગણવામાં આવે છે. અહીં વર્ષોથી મંગળા ચોથ નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવે છે. જેથી ગઈ કાલે મંગળા ચોથ હોવાથી વહેલી સવારથી અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં અનેક નવદંપત્તિઓ જોડાયા હતા.

108 અથર્વશીર્ષના પાઠ કરાયા: ભગવાન વિઘ્ન વિનાયકને રીઝવવા માટે અથર્વશીર્ષનું પઠન શાસ્ત્રોમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, અથર્વશીર્ષનું પઠન કરવાથી ભગવાન ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેને લઇને ગણેશ મંદિરમાં મંગળા ચોથને દિવસે 108 વાર અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં યુગલો દંપત્તિઓ જોડાયા હતા.

પોલીસની સરાહનીય કામગીરી : મોટા બજારમાં આવેલા ગણપતિ મંદિર પર મંગાળા ચોથના દિવસે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી. જેને જોતા કોઈ ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે પોલીસ દ્વારા પણ એક વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ હતી, જેથી લોકોને બજારમાં ટ્રાફિકની અડચણ ન થાય.
સમગ્ર દિવસ દરમિયાન મહિલાઓ વ્રત રાખે: મંગળા ચોથના દિવસે મહિલાઓ વિશેષ વ્રત પૂજન કરતી હોય છે. આ દિવસે વહેલી સવારથી નાહી ધોઈને પવિત્ર થયા બાદ ભગવાનની પૂજન વિધિ કરતી હોય છે. સાથે જ આ દિવસે ઉપવાસ રાખ્યા બાદ સમગ્ર દિવસ દરમિયાન નિર્જલા રહેવું તેમજ સાંજે ચંદ્ર ઉદય થયા બાદ તેના પૂજન કરી પ્રસાદ ગ્રહણ કરી શકાય છે. તેમજ પૂજન સાથે જોડાયેલી કથાનું પઠમ પણ કરવામાં આવે છે. કહેવાય છે કે, આ વ્રત કરવાથી જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર થઈ જાય છે.
ભગવાન ગણેશજીની પ્રાર્થના: આમ મંગળા ચોથના દિવસે વલસાડ મોટા બજારમાં આવેલા ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિક ભક્તોની ભીડ જામી હતી અને ભગવાન ગણેશજીની પ્રાર્થના કરવામાં આવી હતી અને વ્રત કરી સુખ સમૃદ્ધિ અંગે પ્રાર્થના કરી હતી.