ખેડા: પશુપાલકની દાદાગીરીને કારણે છેલ્લા કેટલાક દિવસથી શિક્ષકો તેમજ બાળકો અટવાઈ રહ્યા હતા. અંતે આજે વાલીઓ તેમજ ગ્રામજનો દ્વારા હોબાળો મચાવી પોલીસને બોલાવાઈ હતી. પોલીસ દ્વારા શાળાના પ્રવેશદ્વાર પરથી ગાયો છોડી પશુપાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હેરાનગતિ કરવા મારકણી ગાયો બાંધી: ગામના ભરતભાઈ નામના એક પશુપાલકે પ્રાથમિક શાળામાં હેરાનગતિ કરવાના આશયથી કેટલાક દિવસથી શાળાના પ્રવેશદ્વાર પર જ બે મારકણી ગાયો બાંધી દીધી હતી. જેને લઈ ગાયો શિંગડા મારવાના ડરને કારણે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ શાળામાં જતા ભયભીત બન્યા હતા. જેને લઈ શિક્ષકો તેમજ ગ્રામજનો દ્વારા પશુપાલકને સમજાવ્યા હતા. પરંતુ ગ્રામજનોની અનેક સમજાવટ છતાં પશુપાલકે રોજેરોજ ગાયો બાંધવાનું ચાલુ જ રાખ્યું હતું.
બાળકોને બહાર બેસાડવાની ફરજ પડી: પશુપાલકની દાદાગીરીને કારણે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે કેટલાક દિવસોથી શાળામાં જવાનું મુશ્કેલ બન્યું હતું. જેને લઈ બાળકોને શાળાની બહાર બેસાડવાની ફરજ પડી હતી. ગામના પૂર્વ સરપંચ દ્વારા પશુપાલકને સમજાવવા જતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આજરોજ શાળાએ વાલીઓ સહિત ગ્રામજનો એકત્ર થતા હોબાળો મચાવાયો હતો. જે બાદ પોલીસને બોલાવાઈ હતી. કપડવંજ ગ્રામ્ય પોલીસે શાળા પર પહોંચી ગાયોને છોડી હતી.

પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરાઈ: શાળા પર પહોંચી પોલીસે પ્રવેશ દ્વારા પરથી ગાયો છોડી માથાભારે પશુપાલકની અટકાયત કરી હતી. ગ્રામજનોની ફરિયાદને આધારે કપડવંજ ગ્રામ્ય પોલીસ દ્વારા પશુપાલક વિરૂદ્ધ ગુનો નોંધવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે આવી પશુઓ છોડ્યા: આ બાબતે ગામના પૂર્વ સરપંચ મહેશભાઈએ જણાવ્યુ હતું કે ગ્રામજનોની રજૂઆત હતી કે સતત ત્રણ દિવસથી દરવાજા આગળ ગાયો બાંધેલી છે. પશુપાલકને કહેવાની તમારી ફરજ બને છે. જેથી અમે ઘરે કહેવા ગયા તો અમારા પર હુમલો કર્યો. બાળકો અને શિક્ષકો તમામ શાળાની બહાર હતા. પોલિસની ગાડી આવી પશુઓ છોડી શાળામાં મોકલ્યા હતા.