બનાસકાંઠા: લોકસભા ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા આજે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો. જ્યાં AICCના પ્રભારી અને સંસદ મુકુલ વાસનીક ,ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અમે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાઓ દ્વારા મુકુલ વાસનીક,શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી. લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરારૂપી માતર આપી હતી.
સાંસદ ગેનીબેને ભાજપ પર કર્યા પ્રહારો: આ સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રુપી ગાંધીજી બહુ ચાલ્યા હતા. પણ સત્યનો વિજય થયો છે. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવાં નહિ પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. 2024ની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા. બનાસકાંઠા SP થી માંડીને તમામ ડિપાર્ટમેન્ટ દબાવવાની કોશિશ કરી હતી છેવટે તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરોની પણ મિટિંગ કરેલી હતી. પણ બનાસકાંઠાની જનતા સાથે હતી એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો.
ગેરરીતિનો રિપોર્ટ કોંગ્રેસ સમિતિને સોંપાશે: આપણે લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીને હિંમત આવી અને પ્રધાનમંત્રી સામે આંગળી કરીને કહ્યું કે, અમે તમને ગુજરાતમાં હરાવીશું. આપણા ક્યાં બુથોમાં ખોટું થયુ ક્યાં કાર્યકરોને હેરાન કર્યા એનું બધું ચકાસીને એનો રિપોર્ટ બનાવીશું. અને કોંગ્રેસ સમિતિને આપીશું. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું તમે મને બહેન માનીને માફ કરશો. હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગણી કરીને કહેતા મોદી કે ગઢ મેં જીત કે આઈ હે. રાહુલજી લોકસભામાં સિંહ ગર્જના કરે છે એટલે સામે વાળાઓને 5 -5 મિનિટે પાણીનો ગ્લાસ પીવો પડે છે.
ભાજપ અને શંકર ચૌધરી ઉપર આકરા પ્રહાર: બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જીત બદલ ગેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ અને શંકર ચૌધરી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જો કે, તેમને માઇક હાથમાં જ લેતા જ મજાક સ્વરૂપે કહ્યું કે, આ માઈકના બહુ પ્રોબ્લમ હોય છે મને અમિત ચાવડા કહેતા હતા કે, વાઈફના પણ બહુ પ્રોબ્લમ હોય મને તો એની ખબર નથી. ગેનીબેન અન્યાય સામે લડતા હોય છે તેમાંથી કાર્યકર્તાઓએ શીખવાની જરૂર છે. રાહુલજી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા અમદાવાદ પહોંચ્યા હતા. બનાસકાંઠામાં એક બાજુ બનાસનીબેન અને બીજી બાજુ બનાસની બેંક હતી ત્યારે પણ મતદાતાઓએ બેંકને બાજુમાં મૂકીને લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની સામેના ઉમેદવાર હતા તે ગલબાકાકાની પૌત્રી છે તો એ સંસદમાં નહિ ચાલ્યા તો ડેરીમાં ચાલે. હું જાહેર મંચ ઉપરથી શંકરભાઈને કહું છું કે, એમનું ઋણ ઉતારો. આ મોદીની નહિ મારી ગેરંટી છે કે, એ બહેન શંકરભાઇ કરતા સારી ડેરી ચલાવશે.એટલે એમને બનાસડેરીમાં બેસાડો. આ લડાઈમાં એક વ્યક્તિના અહંકાર હતો તેને ટક્કર મારીને ગેનીબેનને લોકોએ સંસદ બનાવ્યા છે.
મોદી પહેલા નીતીશબાબુને કહેતા તેમના DNAમાં ગરબડ: રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી તો દૂધ ઉપર સબસીડી મળતી હતી અને નર્મદાનું પાણી પણ બધાને મળતું હતું. જોકે બનાસકાંઠાના લોકોને પણ સબસીડી અને નર્મદાના પાણીનો હક છે ત્યારે એમને સવાલ કરજો. હમણાં ભાજપને બહુ તકલીફ પડી રહી છે. આખા ભારતમાં મોદી પહેલા નીતીશબાબુને કહેતા તેમના DNAમાં ગરબડ છે અને ચંદ્રાબાબુ નાયડુ વિશે કહેતા હતા કે, તેમને તેમના સસરા સામે ગદ્દારી કરી છે. આવા લોકો ભાજપ સાથે ન જોઈએ પરંતુ આજે તેમની સાથે મળીને તેમને સરકાર બનાવવી પડી. જગદગુરુ શંકરાચાર્યે પણ લોકસભામાં રાહુલજીનું ભાષણ હિન્દૂ વિરોધી ન હોવાનું કહ્યું છે .જોકે કોંગ્રેસના AICCના પ્રભારી મૂકુલ વાસનિકે ગેનીબેનની જીત ઉપર તેમને શુભેચ્છાઓ આપી હતી અને ગુજરાત માટે ગેનીબેનની જીત મહત્વની સાબિત થવાનું ગણાવ્યું હતું.
અમિત નાયકના ટિવટ મામલે શક્તિસિંહ ગોહિલનું નિવેદન: કોંગ્રેસ નેતા અમિત નાયકના ટિવટ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું હતું કે, કોઈ સવાલ નથી. એમણે મારી સાથે વાત કરી હતી ઘણા કાર્યકર્તાઓને ત્યાં અમારી આંતરિક લોકશાહી છે આંતરિક લોકશાહી અને અશિષ્ટ વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે. એમને જ્યારે પ્રોબ્લમ થયો એટલે મેં પોતે વાત કરી હતી. અને કોઈ બાબત હોય તો પરિવારની બાબત આપણે ગામના ચોંરે જઈને વાત નથી કરતા આપણે પરિવારમાં કરતા હોઈએ છીએ. કોઈ પણ કાર્યકર હોય તો પરિવારના સભ્ય છે વાત કરવી જોઈએ.
ગેનીબેન ઠાકોરે મતદાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો: શક્તિસિંહે કહ્યું હતું કે, અમારી પણ ફરજનો ભાગ છે. પણ કેટલાક લોકો આગળ પાછળ સોશિયલ મીડિયામાં પણ એના પહેલા મારે પણ મારી જાત ઉપર કાબુ રાખીને અશિસ્ત ન થાય એ મારે પણ જોવું જોઈએ. મને પણ મારે મારા પરિવારમાં કઈ કહેવું હોયતો મારા આગેવાનોને કહું. ભાજપમાં આવું કરી જુએ તો બીજે દિવસે એના ઉપર કેવા પગલાં ભરાય. કોગ્રેસમાં છુટ છે વાત થતી હોય છે પરંતુ અમારા સોના ઉપર જવાબદારી છે કે, આંતરિક લોકશાહીના આધાર નીચે પક્ષને નુકશાન થાય તેવું કોઈથી ન થાય એ બધાએ જોવું જોઈએ. ગેનીબેન ઠાકોરે મતદાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યું હતું કે, આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને લોકો વિજયી બનાવશે.