વલસાડ: ભારત એ ખેતીપ્રધાન દેશ છે. અહીંના મોટાભાગના આદિવાસી સમાજના લોકો ખેતી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે અને તેઓ માટે વર્તમાન સરકારે એવા કાયદાઓ બનાવ્યા છે કે, જેમાં ખેડૂત બિચારો પીસાતો રહે છે. જેના કારણે સામાન્ય ખેડૂત ધીમે ધીમે આત્મહત્યા કરવા સુધી પ્રેરાઇ રહ્યો છે. ત્યારે આ તમામ સમસ્યાઓનો અંત લાવવા અનેક ખેડૂતો હવે ચૂંટણીમાં મતદાન કરવાના છે જે બાદ જ ખેડૂતોની સમસ્યાનો અંત આવશે.
કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ જમીની લેવલ સાથે જોડાયેલા છે: પ્રિયંકા ગાંધીની સભામાં ખેડૂતના પોશાક તેમ જ ખભે ખેડૂતનું હળ લઈને હાજરી આપવા આવેલા ભરતભાઈ પટેલે જણાવ્યું કે, સામાન્ય જનતા સાથે જોડાઈ તેમના વિવિધ પ્રશ્નો સમજીને ઉમેદવાર અનંત પટેલ ખૂબ આગળ આવ્યા છે અને લોકોમાં લોકપ્રિયતા પામ્યા છે. લોકોની સમસ્યા હોય લોકોની વચ્ચે જઈ તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમના સમર્થનમાં આજે ખેડૂતનો વેશ ધારણ કર્યો છે.
ખેડૂતનો વેશ ધારણ કરવાનું કારણ શું ?: ધરમપુરના દરબાર ગઢ કમ્પાઉન્ડમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સભામાં હાજરી આપવા માટે છેક સુરતથી આવેલા અને ખેડૂતનો વેશ ધારણ કરીને પહોંચેલા ભરતભાઈએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ હાલ ન્યાય યાત્રા કરી 4,000 km નો પ્રવાસ કર્યો છે. અને આ પ્રવાસ દરમિયાન તેમણે પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે જેમાં ખેડૂતોને દેવામાં માફી અને પાકને નુકસાન થાય તો તેવા સમયે ત્વરિત વિશેષ વળતર સ્કીમ ,તેમજ દરેક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ત્યારે ખેડૂતોના હિત સચવાશે તો જ દેશનો વિકાસ થશે કારણ કે, ભારત ખેતી પ્રધાન દેશ છે. ત્યારે સ્થાનિક કક્ષાએ એ દરેક ખેડૂતો હોય હું મૂળ પોશાકમાં આવ્યો છું.
વર્તમાન સરકાર દ્વારા ખેડૂતો માટે કાળો કાયદો લવાયો વિરોધ કરનારા ખેડૂતોના મોત થયા: હાલની વર્તમાન સરકારે ખેડૂતો માટે એવા કાળા કાયદા ઘડ્યા છે કે, જેની આંટી ઘૂંટીમાં અનેક ખેડૂતો આત્મહત્યા કરવા સુધી પ્રેરાઈ રહ્યા છે. તો કેટલીક જગ્યાએ આ કાળા કાયદાના વિરોધમાં ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા અને આંદોલન કર્યું તો તેમની સામે મોટા વાહનો ચડાવી દેવામાં આવ્યા જેમાં 400 થી વધુ ખેડૂતો મોતને ભેટ્યા છે. ત્યારે ખેતીપ્રધાન દેશમાં માત્ર ખેડૂત જ ઉત્પાદન કરી શકે છે અને ખેડૂતને જો સરકાર ન સાચવતી હોય તો તેનું પતન નિશ્ચિત છે.
વલસાડ બેઠક જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે: છેલ્લા કેટલા વર્ષોથી નિયમ કહો કે યોગાનું યોગ કહો જે પક્ષ વલસાડની બેઠક જીતે છે તેની જ સરકાર દિલ્હીમાં પણ બને છે એવી માન્યતા છે. ત્યારે આ વખતે ભરતભાઈના જણાવ્યા અનુસાર વલસાડની બેઠક ઉપર કોંગ્રેસ જીતી રહી છે અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે જેને લઇને કોંગ્રેસના મેનિફેસ્ટોમાં આપેલા વચનો કોંગ્રેસ પૂર્ણ કરશે અને ખેડૂતોને તેનો સીધો ફાયદો થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી
આમ ધરમપુર દરબાર ગઢ કંપાઉન્ડમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની ચૂંટણી સભામાં ખેડૂતના પહેરવેશ અને ખભે હળ લઈને આવેલા ભરતભાઈએ જણાવ્યું કે, જે દેશમાં ખેડૂત મજબૂત હોય છે તે દેશ આર્થિક રીતે મજબૂત બને છે.