સુરત: ગત 14 સપ્ટેમ્બર 2021ના રોજ માંગરોળ તાલુકાના લિંડિયાત ગામે આવેલ સુભમ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કામ કરતાં 28 વર્ષીય યુવક જિતેન્દ્ર ઉર્ફે જીતુ ભીકારી પરીદાઓની ત્રણ અન્ય કામદાર સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જે બાબતની અદાવત રાખી આ ત્રણ આરોપી પરમેશ્વર ભગવાન દાકુઆ, રંજન રંગપાની શેટ્ટી અને સુમંતા રમેશ શેટ્ટીએ ભેગા મળી જિતેન્દ્રના માથાના ભાગે પથ્થર મારી તેની ઘાતકી હત્યા કરી હતી.
પેરોલ જમ્પ કર્યો: આ આરોપીની ધરપકડ બાદ તેઓ લાજપોર સબજેલમાં હતાં. જે પૈકી સુમંતા શેટ્ટી વર્ષ 2023ના સપ્ટેમ્બર માસમાં હાઈકોર્ટમાંથી સાત દિવસના વચગાળાના જામીન મેળવી બહાર આવ્યા હતાં. જેમાં સપ્ટેમ્બર 2023ના અંતિમ તારીખ સુધીમાં હાજર થવાનું હતું. જોકે, તેઓ હાજર રહ્યા ન હતાં અને પેરોલ જમ્પ કર્યો હતો. હાલમાં સુરત જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ અલગ અલગ ટીમ બનાવી પેરોલ જમ્પ કરનાર આરોપીની તપાસ કરી રહ્યા છે.
આરોપીની ધરપકડ: આ દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીઆઈ એ. ડી. ચાવડા, એસઆઈ અરવિંદભાઈ અને પોકો દીપકભાઈને બાતમી મળી હતી કે, લિંડિયાત ગામે થયેલી હત્યાનો આરોપી હાલ તામિલનાડુ ખાતે આવેલ થીરુવલ્લુરના કાકાલુર વિસ્તારમાં આવેલ મોહી કંપનીમાં કામ કરે છે. ચોક્કસ હકીકતને આધારે પેરોલ ફર્લો સ્ક્વોડ તામિલનાડુ પહોંચી હતી. જ્યાંથી આ આરોપીની ધરપકડ કરી સુરત ખાતે લઈ આવી હતી અને હવે તેમને લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો.પીઆઈ એ. ડી. ચાવડાએ જણાવ્યું હતું કે, નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા અમારી ટીમ દ્વારા તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પેરોલ જંપ કરી નાસતા ફરતાં આ આરોપીને તમિલનાડુથી ઝડપી લીધો હતો. હાલ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.