ગાંધીનગર : રાજ્યના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાં બેઠક કરીને કેટલીક માંગણી પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર શુક્રવારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકો દેખાવ કરી રહ્યા છે.
જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન :
રાજ્યના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાના મુદ્દે આજે ફરી સરકાર સામે ઉઘરાણી કરવામાં આવી હતી. અગાઉ શિક્ષકોના ઉગ્ર આંદોલન સમયે આ જ સરકારે 5 મંત્રીઓને સાથે રાખી અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના આગેવાનો સાથે મીટીંગ કરી આંદોલન સમેટવા સમાધાન પ્રક્રિયા કરી હતી.
સરકારે કરેલી સમાધાન ફોર્મ્યુલા ભુલાઈ જતા, આજે સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડયા હતા. શિક્ષકોએ એક દિવસનું ધરણાં પ્રદર્શન કર્યું હતું. સાથે સાથે સરકારને આ નિર્ણય ત્વરિત લેવા અને તેનો વિધિવત પરિપત્ર બહાર પાડવા પણ ચીમકી ઉચ્ચારી હતી. જોકે હવે સરકાર અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આમને સામને આવી ગયું છે. ત્યારે કોની જીત થશે તે જોવું રહ્યું...
સરકારે કરેલા વાયદાનું શું ? ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના હજારો શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ માંગ સાથે આજે ગાંધીનગર ખાતે દેખાવ કરી રહ્યા છે. તારીખ 01/04/2005 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અન્ય કેડરના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ અગાઉ સરકાર સાથે બેઠક કરી હતી. જેમાં શિક્ષકોને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું.
પરંતુ હજુ સુધી સરકારે ઠરાવો જાહેર કર્યો નથી. જેને લઈને રાજ્યના શિક્ષણ વિભાગના કર્મચારીઓ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા અને બેનરો દેખાડી સૂત્રોચ્ચાર સાથે પોતાની રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ 1/04/2005 પહેલાના આશરે 65,000 જેટલા કર્મચારીઓ છે, જેમને સરકાર દ્વારા હજુ ઠરાવ કરીને તેમનો પેન્શનનો હક આપવામાં આવ્યો નથી.