સુરત: માંગરોળ તરસાડી નગરપાલિકાનાં કામદારો આજે ફરીએકવાર હડતાલ પર ઉતરી જતા અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકા વિસ્તારમાં સફાઇ કામ કરતા કામદારો દ્વારા પોતાની કેટલીક પડતર માંગણીઓ મામલે પાલિકા સામે આજે બાંય ચઢાવી સાગમટે હડતાલ પર ઉતરી જતા તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.
સફાઇ કામદારોની શું છે માંગણીઓ: સફાઈ કામદારો દ્વારા પોતાની માંગણીઓ પૈકી નિયમીત પગાર, ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને કાયમી ભરતી, લઘુતમ વેતન સહિત અન્ય માંગો સાથે હડતાલ પર ઉતરી ગયા છે. જોકે થોડા સમય પૂર્વે પણ તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો ઉપરોક્ત માંગોનાં ન્યાયીક હલ માટે હડતાલ પર ઉતરી ગયા હતા. પરંતુ નગરેપાલિ દ્વારા તમામ માંગણીઓ ટૂંક સમયમાં હલ કરી દેવામાં આવશે જેવી બાહેંધરી આપતા કામદારો દ્વારા જેતે સમયે હડતાલ સમેટી લીધી હતી. પરંતુ લાંબા સમયકાળ બાદ પોતાની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવતા આજે સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા.
ગુજરાત વાલ્મિકી સમાજ સંગઠનના પ્રમુખ જીતુ ભાઈએ જણાવ્યું હતું કે, "તરસાડી નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવાની વર્ષો જૂની માંગ છે અને ઉપરથી તેમને નિયમિત પગાર પણ ચૂકવવામાં આવતો નથી. કર્મચારીઓને કાયમી કરવાના બદલે નગરપાલિકા આઉટસોર્સનું તુત ઊભું કરી કર્મચારીઓને આઉટસોર્સમાં ધકેલવા માંગે છે અને તેમનું શોષણ કરવા માંગે છે. અમારી માંગણી કર્મચારીઓને નિયમિત પગાર અને તેમને કાયમી કરવાની છે, જ્યાં સુધી આ માંગણી સંતોષ સાથે નહીં ત્યાં સુધી તમામ કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ ઉપર રહેશે".