તાપી : વાલોડ ગામની સ.ગો. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિજય ડી. ચૌધરી વિરુદ્ધ વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી અને છેડતીની ફરિયાદ દાખલ થતા સમગ્ર તાપી જિલ્લા શિક્ષણ આલમમાં ચકચાર મચી છે. હાલ આ શિક્ષકની પોલીસે અટકાયત કરી છે.
વાલોડ હાઈસ્કૂલનો બનાવ : સ.ગો. હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી અંદાજે 10 જેટલી સગીર વયની દીકરીઓ સાથે વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષકે છેડતી કરી હતી. શિક્ષક નોટબુકમાં લેશન ચેક કરવાના બહાને અથવા કોઈ વસ્તુ નીચે ફેંકી દઈ ઉઠાવવાના બહાને તેમજ પગથિયાં પરથી જતી વિદ્યાર્થિનીઓના રસ્તામાં આવી જઈ તેમનો રસ્તો રોકી દઈ છેડતી કરતો હતો.
વિકૃત શિક્ષક : આ બનાવની જાણ દીકરીઓ દ્વારા શાળાના આચાર્ય સહિત પરિવારને કરતા વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાદમાં વાલોડ પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી નામદાર કોર્ટમાં હાજર કરતા નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. સમગ્ર બનાવને લઇ શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
શું હતો મામલો ? આ મામલે શાળાના આચાર્ય હિતેશ જોશીએ જણાવ્યું હતું કે, અમારી સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવતા વી. ડી. ચૌધરી સમાજશાસ્ત્રના અને ભૂગોળના શિક્ષક છે, એના માટે ફરિયાદ કરેલ અને તેમાં અગાઉ નાની મોટી ફરિયાદ હતી. તેને અમે એટલું ધ્યાને નહીં લીધી, પણ જ્યારે છેડતી કરવાનો પ્રયત્ન કરે છે, જેમાં જે પીડિતા વિદ્યાર્થિનીઓ છે, જેમાં એક વિદ્યાર્થિનીના પિતા ફરિયાદી છે. એમની સાથે બીજી આઠથી દસ દીકરીઓ સાક્ષી રહી છે. એટલા માટે અમે પોલીસ સ્ટેશન આવી પીડિતાના વાલી સાથે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ કાર્યવાહી : તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકે માહિતી આપતા જણાવ્યું કે, વાલોડ તાલુકાની હાઈસ્કૂલમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 તથા પોક્સો એક્ટની કલમ 11 અને 12 મુજબનો ગુનો ગઈકાલે દાખલ કરવામાં આવ્યો અને આ ગુનાના આરોપી વિજય ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ તે શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હોવાની ફરિયાદ મળી છે.
- પાટણમાં લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલાં, શિક્ષકની ધરપકડ - Patan
- શિક્ષક ભરતી કૌભાંડમાં 5 આરોપીઓની ધરપકડ, છેતરપિંડી કરી આપતા નોકરી